રાજકોટ મનપાની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યો અને ખાસ કરીને ભૂગર્ભ પાઇપલાઇનના ખોદકામના કારણે ઠેર-ઠેર રસ્તાઓ પર પડેલા ખાડા પ્રજા માટે મુસીબતનો પહાડ બની રહ્યા છે.
શહેરમાં અનેક જગ્યાએ કોર્પોરેશન દ્વારા પાઇપલાઇનના કામો ચાલી રહ્યા છે, જેના કારણે ખોદાયેલા રસ્તાઓ વાહનચાલકો માટે માથાનો દુખાવો બન્યા છે. આ ખાડાઓમાં વાહનો ફસાવવાના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે આજે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

જેમાં સાધુ વાસવાણી રોડ ખાતે મહાકાય ટ્રક ખાડામાં ફંસાયો હતો. જેને કલાકોની જહેમત બાદ બહાર કઢાયો હતો. જેને લઈને રસ્તાના ખોદકામ બાદ બુરાણ યોગ્ય રીતે નહીં થવાની પોલ ખુલી હતી.
ટાયર ઊંડે સુધી ખુંપી જતાં ટ્રક જાતે બહાર નીકળી શકે તેમ ન હતો પ્રાપ્ત વિગત મુજબ, આજે સાધુ વાસવાણી રોડ ઉપર આવેલા પાટીદાર ચોક નજીક પાઇપલાઇન નાખવા માટે ખોદવામાં આવેલા રસ્તામાં માલ ભરેલો એક ટ્રક ખૂંપી ગયો હતો. ટ્રકના ટાયર રોડની અંદર ઊંડે સુધી ઘૂસી ગયા હતા, જેના કારણે ટ્રક જાતે બહાર નીકળી શકે તેમ ન હતો.
સવારથી જ આ ટ્રક ખાડામાં ફસાયેલો રહેતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી. સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકોની મદદથી બપોરના સમયે ભારે જહેમત બાદ આ ટ્રકને બહાર કાઢી શકાયો હતો. સમગ્ર ઘટનાએ કોર્પોરેશન દ્વારા ખોદકામ બાદ રસ્તાઓના યોગ્ય પુરાણ અને સમારકામમાં દાખવવામાં આવતી ઘોર બેદરકારીની પોલ ખોલી છે.

