Gujarat

નક્શામાં જેનો સરવે નંબર જ નથી તેના 7/12ના આધારે 21 એકર સરકારી જમીન પર ઓક્સિજન પ્લાન્ટ બનાવ્યો

ઓક્સિજન અને કાજુ પ્લાન્ટનો ઉદ્યોગ શરૂ કરવાના ઓથા હેઠળ ભચાઉ નજીક નેશનલ હાઈવે પરની કરોડોની સરકારી જમીન પર કબજો કરી દેવાનું કૌભાંડ ચીરઈ મોટી ગામે સામે આવ્યું છે. ગામના નક્શામાં 1003 પૈકીનો સરવે નંબર છે જ નહીં તેના પર યુ બી અગ્રવાલ કંપનીએ 21 એકર સરકારી જગ્યામાં ઈન્ડસ્ટ્રીયલ અને મેડિકલ ઓક્સિજન સહિત કાજુનો પ્લાન્ટ પણ સ્થાપી દીધો છે. ભાસ્કરે સ્થળ તપાસ કરતાં સામે આવ્યું કે, યુ બી અગ્રવાલ કંપનીના નામે 7/12માં જે જમીન દર્શાવી છે તે સરવે નંબર 1003 પૈકી 102 અને 117 ગામના નક્શામાં જ નથી

સરકારી વેબસાઈટ પ્રમાણે ગામના સરવે નંબરનોનું પ્રમોલગેશન (રિસરવે) થયું નથી. જેથી સરવે નંબરો બદલાયા નથી. અગ્રવાલ એન્ડ કંપનીના નામે થયેલ દસ્તાવેજમાં જૂના સરવે નંબર 443, 444 અને 445નો આધાર લઈને દસ્તાવેજ કરી દેવામાં આવ્યાં છે. જેમાં નવો સરવે નંબર 1003 પૈકી પણ નોંધ્યો છે. 7/12 પ્રમાણેના નવા સરવે નંબર 1003 પૈકી 102 અને 117 ગામના નક્શામાં ક્યાંય જોવાં મળતાં નથી. માર્કેટ રેટ પ્રમાણે અંદાજિત 25 કરોડથી પણ વધુની જમીન પર ઓક્સિજન, કાજુ અને સ્ક્રેપનો પ્લાન્ટ સ્થપાયો છે.

પ્રમોલગેશન થયું જ નથી તેમ છતાં જૂના સરવે નંબરને નવા દર્શાવ્યાં છે. ઉપરાંત જે સરવે નંબરોની જમીન દર્શાવાયેલી છે તે હાઈવેથી દૂર આવેલી છે, તેના પર કોઈ જ પ્રકારનું બાંધકામ થયેલું નથી. વિશેષમાં ઓક્સિજન પ્લાન્ટમાંથી ટેસ્ટીંગ કર્યા વગરના પ્રતિદિન 300 થી વધારે નંગ ઓક્સિજનની બોટલ કચ્છની વિવિધ હોસ્પીટલમાં વેંચીને લાખોની આવક ઉભી કરવામાં આવી છે. હાઈવે પરની જમીન પર 1003 પૈકી સરવે નંબરનો ઉલ્લેખ કરીને સરકારી તંત્રની આંખમાં પણ ધૂળ નાંખવાનું કામ કર્યું છે.

9 માસ બાદ પણ કમિશનરે લાઈસન્સ રિન્યૂ કર્યું, જ્યારે નિયમ 6 માસનો છે મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અગ્રવાલ એન્ડ કંપનીના નામે લાયસન્સ આપ્યું હતું, જેની અવધી 15 મે 2023માં પૂર્ણ થતી હતી. નિયમ મુજબ 6 માસ સુધી લેટ ફી ભરીને લાયસન્સ રિન્યુ કરી શકાય તેમ ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર હેમંત કોશીયાએ જણાવ્યું હતું, નિયમો જાણતાં હોવા છતાં પણ કોશીયાએ અગ્રવાલ એન્ડ કંપનીને 9 માસ બાદ લાયસન્સ રિન્યુ કરી આપીને નિયમોનો છેદ ઉડાવ્યો હતો.