સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. કીમ-ઓલપાડ સ્ટેટ હાઈવે પર ખેડૂતોએ ડાંગર સૂકવવા મૂક્યો હતો. અગાઉના માવઠા પછી માંડ માંડ ડાંગર સુકાયો હતો, ત્યાં ફરીથી વરસાદે વિનાશ વેર્યો છે.
છેલ્લા 15-20 દિવસથી ખેડૂતો રોડ પર જ છે. વરસાદના કારણે રોડ પર પાણી ભરાતા ડાંગર તણાઈને કોતરમાં જઈ રહ્યો છે.
સંતાનની જેમ ઉછેરેલા પાકની આવી દશા જોઈને ખેડૂતો નિરાશ થયા છે. રાત્રે ચોરીનો ભય હોવાથી ખેડૂતો પોતાના ડાંગરની રખેવાળી પણ કરી રહ્યા છે.

માવઠું ખેડૂતો માટે મોટી આફત બની રહ્યું છે. ઓલપાડ તાલુકાના ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. ખેડૂતોએ સરકાર પાસે મદદની માગણી કરી છે. આ વિસ્તારના ખેડૂતોના મોઢે આવેલો કોળિયો માવઠાએ છીનવી લીધો છે.

