Gujarat

વણછરા પ્રાથમિક શાળામાં બાળકોને બહાર કાઢી વાલીઓની તાળાબંધી

પાદરા તાલુકાના છેવાડે ઢાઢર નદીના કિનારે આવેલ વણછરા ગામની પ્રાથમિક શાળામાં આજે વાલીઓ અને ગ્રામજનોએ ભારે સૂત્રોચાર સાથે શાળાને તાળાબંધી કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

વણછરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા મનાલીબેન જોશી દ્વારા બાળકોને યોગ્ય રીતે શિક્ષણ ન આપવું, તેમજ વિદ્યાર્થીઓ સાથે ઉદ્ધત અને અયોગ્ય વર્તન કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો વાલીઓ દ્વારા કરાયા હતા. આ ઉપરાંત, શાળાના સહશિક્ષકો અને સ્ટાફ સાથે પણ વારંવાર ગેરવર્તણૂક થતી હોવાની ફરિયાદો સામે આવી હતી.આ મુદ્દે ગ્રામજનો અને વાલીઓએ લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હતી. છતાં કોઇ કાર્યવાહી ન કરાતાં રોષ ફેલાયો હતો. પરિણામે આજે ગ્રામજનોએ વિદ્યાર્થીઓને શાળાની બહાર કાઢી શાળા પર તાળું મારી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ વિરોધમાં ગામના સરપંચ નિલેશભાઈ પરમાર, ઉપસરપંચ અજીતભાઈ જાદવ, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના પ્રમુખ નરેન્દ્રભાઈ પઢિયાર સહિતના સભ્યો અને ગ્રામજનો જોડાયા હતાં. અને ચિમકી આપી હતી કે, જ્યાં સુધી શિક્ષિકા મનાલીબેન જોશીની બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી શાળાની તાળાબંધી ચાલુ રહેશે.