Gujarat

લંડનમાં રહેતા પુત્રને મળવા જતાં પિનાકિન-રૂપાબેન શાહનું અવસાન, કુવૈતથી પુત્રી પણ વતન પરત

અમદાવાદ એરપોર્ટ પર થયેલી વિમાન દુર્ઘટનામાં કલોલના પતિ-પત્ની પિનાકિન બાબુભાઈ શાહ (ઉંમર 60) અને રૂપાબેન શાહ (ઉંમર 45)નું દુःખદ અવસાન થયું છે. આ દંપતી લંડનમાં રહેતા તેમના પુત્ર ઋષભને મળવા માટે અમદાવાદથી વિમાનમાં જઈ રહ્યા હતા.

પિનાકિન શાહના પડોશી જગદીશભાઈ પંચાલ અને આશાબેન પંચાલે જણાવ્યા મુજબ, મૃતક દંપતીની પુત્રી જાનકી કુવૈતમાં રહે છે. દુર્ઘટનાની જાણ થતાં જ બંને સંતાનો વતન પરત ફર્યા છે. માતા-પિતાના અચાનક અવસાનથી તેઓ આઘાતમાં છે.

મૃતક દંપતી છેલ્લા 25 વર્ષથી કલોલમાં ડોક્ટર હાઉસ પાસે આવેલા વિમલ એપાર્ટમેન્ટના ચોથા માળે, ફ્લેટ નંબર 401માં રહેતા હતા. દુર્ઘટનાની જાણ થતાં સગા-સંબંધીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.