Gujarat

PM મોદીએ આદિવાસી સમાજના વિકાસ માટે કામ કર્યું

બનાસકાંઠાના અંબાજી ખાતે રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર તથા ક્લાયમેન્ટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષસ્થાને જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને સમૃદ્ધિ માટે કાર્ય કર્યું છે.

જનજાતિય નાયકોના શૌર્ય અને અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા દેશભરમાં જનજાતિય ગૌરવ દિવસ ઉજવાય છે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા ખાતે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરાઈ હતી. અંબાજી ખાતે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો વર્ચ્યુઅલી જોડાયા હતા.

દાંતા તાલુકાના અંબાજી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ, રમતવીરો અને નોકરી મેળવનાર યુવાનોનું સન્માન કરાયું હતું. આ ઉપરાંત, સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને સહાય ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

મંત્રી પ્રવીણ માળીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આ વર્ષ રાષ્ટ્રીયતા અને એકતાનું ગૌરવ ગાન કરવાનું વર્ષ છે. આ વર્ષે સરદાર વલ્લભ પટેલ અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ તેમજ બંધારણના 75 વર્ષ અંતર્ગત દેશભરમાં ત્રિવેણી પ્રસંગોની ઉજવણી થઈ રહી છે.

મંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં આદિવાસી સમાજે સર્વાંગી વિકાસ સાધ્યો છે. સરકારે શિક્ષણ, આરોગ્ય સહિત આદિવાસી સમાજના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. વડાપ્રધાને આદિવાસી નાયકોને બહુમાન આપવાનું કામ કરીને વર્ષ 2021માં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું ભગીરથ કાર્ય કર્યું છે.