Gujarat

જામનગરમાં ગુનાખોરી રોકવા પોલીસની કાર્યવાહી

જામનગર શહેર અને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના નેતૃત્વમાં “કોમ્બિંગ નાઈટ” યોજવામાં આવી હતી. આ ડ્રાઈવમાં નંબર પ્લેટ વગરના વાહનો, કારની બારીઓમાં કાળી ફિલ્મ લગાવનારા અને ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનો તપાસવામાં આવ્યા હતા.

પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસ તેમજ વાહનોમાં હથિયાર રાખનારા લોકો સામે કાર્યવાહી કરી હતી. શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારો તેમજ શહેરના પ્રવેશદ્વાર પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એ.ચાવડા અને સર્વેલન્સ ટીમે પવનચક્કી સર્કલ પર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી કરી હતી. પોલીસે 5થી વધુ બાઈક જપ્ત કર્યા અને કુલ રૂ.12,300નો દંડ વસૂલ્યો હતો.

પોલીસે દુકાનો અને જાહેર સ્થળોએ મોડી રાત સુધી જમાવડો કરીને બેસનારા લોકો સામે પણ પગલાં લીધા હતા. કેટલાક લોકો પોલીસને જોઈને ભાગી છૂટ્યા હતા. આ કાર્યવાહીથી નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.