કચ્છ જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ સક્રિય બની છે. નવા વર્ષના સ્વાગત માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા પોલીસ વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ અને વાહન તપાસ હાથ ધરવામાં આવી છે.
ભુજ શહેરમાં સી ટીમે એરપોર્ટ રિંગ રોડ પર ખાસ ટ્રાફિક ડ્રાઇવ યોજી વાહન તપાસ કરી હતી. આ ઉપરાંત, નખત્રાણા પોલીસે પણ 31 ડિસેમ્બરની ઉજવણીના અનુસંધાનમાં ફૂટ માર્ચ કરી હતી. નખત્રાણા પોલીસ સ્ટેશનથી સુપરમાર્કેટ, વથાણ, મુખ્ય બજાર, જૂનાવાસ અને નવાવાસ સહિતના વિસ્તારોમાં પોલીસે ફરીને પરિસ્થિતિ પર નજર રાખી હતી. પીઆઈ એ.એમ. મકવાણાની સૂચનાથી શાંતિપૂર્ણ ઉજવણી માટે ચેકિંગ હાથ ધરાયું હતું.
પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પૂર્વ કચ્છના પ્રવેશદ્વાર સમા આડેસર પીઆઈ જે.એમ. વાળા અને સામખીયારી પીઆઈ વી.કે. ગઢવીના નેતૃત્વ હેઠળ સુરજબારી પોલીસ ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમ.ડી. ચૌધરી, બી ડિવિઝન પીઆઈ એસ.વી. ગોંજીયા, આદિપુર પીઆઈ એમ.સી. વાળા, અંજાર પીઆઈ એ.આર. ગોહિલ, ભચાઉ પીઆઈ એ.એ. જાડેજા, લાકડીયા પીઆઈ જે.એમ. જાડેજા, બાલાસર પીએસઆઈ વી.એ. ઝા, રાપર પીઆઈ જે.બી. બુબડીયા, ગાગોદર પીઆઈ વી.એ. સેગલ, દુધઈ પીઆઈ આર.આર. વસાવા તથા ખડીર પીઆઈ એમ.એન. દવે અને તેમના પોલીસ સ્ટાફ દ્વારા જુદા જુદા સ્થળો પર પોલીસ કર્મચારીઓ તૈનાત કરીને સઘન ચેકિંગ ચાલી રહ્યું છે.

