જામનગર જિલ્લાના નવનિયુક્ત પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના આદેશથી ગઈકાલે રાત્રે વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. આ ડ્રાઈવમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફે ભાગ લીધો હતો.
પોલીસે વાહન ચાલકોના લાયસન્સ અને અન્ય દસ્તાવેજોની તપાસ કરી. ફોર-વ્હીલર વાહનોમાંથી કાળી ફિલ્મ દૂર કરવામાં આવી. ટ્રિપલ રાઈડિંગ, વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ, સ્ટંટબાજી, દારૂ પીને વાહન ચલાવવું અને રોમિયોગીરી જેવા ગુનાઓ માટે કાર્યવાહી કરવામાં આવી હતી.
કાયદાકીય કાર્યવાહીમાં જીપી એક્ટ કલમ 135 અને એમવી એક્ટ કલમ 185 હેઠળ દંડ ફટકારવામાં આવ્યો. નંબર પ્લેટ વગરના અને ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ડ્રાઈવ કીર્તિ પાન, જકાતનાકા પાસે સીટીસી પોલીસ સ્ટેશન, લાલપુર બાયપાસ પાસે પંચકોષી બી પોલીસ સ્ટેશન સહિત વિવિધ વિસ્તારોમાં યોજવામાં આવી. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ શહેર અને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવાનો અને ગુનાખોરી અટકાવવાનો છે.