Gujarat

ધૂમાડાના ગોટેગોટા વચ્ચે 5 કિમી સુધી વાહનોની કતારો લાગી, પોલીસે ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી

રાપર તાલુકાના ચિત્રોડ ગામ નજીક સામખિયાળી-રાધનપુર નેશનલ હાઇવે 27 પર મંગળવારે સાંજે 5:30 વાગ્યે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. આડેસર તરફ જતા કેમિકલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ લાગી હતી.

ગાગોદર પોલીસના પીઆઈ વી.એ. સેંગલના જણાવ્યા મુજબ, ગાંધીધામથી આવી રહેલું પ્રવાહી ભરેલું ટેન્કર ચિત્રોડ ઓવરબ્રિજ પરથી પસાર થતી વખતે અચાનક સળગી ઉઠ્યું હતું. આ ઘટનાને પગલે બંને તરફ આશરે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે.

પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક વ્યવસ્થાપન હાથ ધર્યું હતું. વાહનોને સામેની લેન પર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.

આગ પર કાબુ મેળવવા માટે રાપર નગરપાલિકા અને લાકડિયાના ખાનગી એકમના ફાયર ફાયટરને બોલાવવામાં આવ્યાં છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ છે કે નહીં તે હાલ જાણી શકાયું નથી.