Gujarat

જામનગર પોલીસ થર્ટી ફર્સ્ટ પહેલા એક્શન મોડમાં – પોલીસે ચેંકિગ હાથ ધર્યું

જામનગર શહેર અને જિલ્લામાં 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી પૂર્વે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. જામનગરના એસ.પી. ડો. રવિ મોહન સૈનીએ સમગ્ર જિલ્લામાં કડક ચેકિંગના આદેશો આપ્યા છે. આ કાર્યવાહી 31 ડિસેમ્બર સુધી અવિરત ચાલુ રહેશે.

આ આદેશોના પગલે, સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે ખંભાળિયા સર્કલ નજીક ચેંકિગ હાથ ધર્યું હતું. આ દરમિયાન વાહનોમાં બ્લેક કાચ અને વાહનના કાગળો સહિતનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

થર્ટી ફર્સ્ટ નજીક આવતા નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે આવારા તત્વો અને દારૂના બંધાણીઓ બેફામ બનતા હોય છે. આવા તત્વોને અંકુશમાં લાવવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગત મોડી રાત્રે જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સૂચનાથી, સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. નિકુંજસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.કે. બ્લોચ અને પીએસઆઈ ડી.જી. રામાનુજ સહિતના સ્ટાફે ચેકિંગ કર્યું હતું. ટ્રાફિક નિયમનનો ભંગ કરનારા વાહનચાલકો સામે દંડકીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત, જામનગર શહેરના સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.પી. ઝા અને પીએસઆઈ એમ.વી. મોઢવાડિયાની ટીમ તેમજ સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પણ તેમના વિસ્તારોમાં કડક ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.