Gujarat

ભોગાવો નદીમાંથી હાથ-પગ બાંધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ શરૂ કરી

આ ઘટનાની જાણ ત્યાંથી પસાર થતા વાહનચાલકોએ પોલીસને કરી હતી. સૂચના મળતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે.

પોલીસ હવે આ મામલે હત્યા થઈ છે કે અન્ય કોઈ કારણ છે તે અંગે તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસમાં આ ચોથી લાશ મળી છે.

આ પહેલાં શનિ મંદિર પાસે ભોગાવો નદીમાંથી એક લાશ, કોલેજના ગટરના નાળામાંથી બીજી લાશ અને ગઈકાલે સાંજે બસ સ્ટેન્ડ પાસેના કોમ્પલેક્ષના ધાબા પરથી એક મહિલાની લાશ મળી હતી.

આજે ફરી એકવાર યુવકની લાશ મળવાથી શહેરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાઓને લઈને ભયનો માહોલ છે. પોલીસે તમામ કેસોમાં તપાસ તેજ કરી છે અને જલ્દી આ રહસ્યનો ભેદ ઉકેલવાની ખાતરી આપી છે.