આજે શ્રાવણ સુદ સાતમના દિવસે જામનગર માટે ઐતિહાસિક દિવસ છે. ઈ.સ. 1540 (સંવત 1596)માં આજ દિવસે નવાનગરની સ્થાપના કરવામાં આવી હતી, જે આજે જામનગર તરીકે વિશ્વના નકશા પર ઝળહળે છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે પરંપરાગત રીતે શહેરની સ્થાપના સમયની ખાંભીનું પૂજન કરવામાં આવ્યું. સાથે વિવિધ વિભૂતિઓની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

દરબાર ગઢ નજીક દિલાવર સાયકલ સ્ટોરમાં આવેલ શહેરની સ્થાપના સમયની ખાંભીનું રાજવી પરિવારના સભ્યો, ક્ષત્રિય સમાજ અને વિવિધ અગ્રણીઓ દ્વારા પૂજન કરાયું હતું. આ અવસરે શહેરના મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ધારાસભ્ય રિવાબા જાડેજા, મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
કચ્છથી પોતાના લશ્કર સાથે આવેલા જામરાવળે જામનગરના દરબારગઢ નજીક શહેરની સ્થાપનાનો પાયો નાખ્યો હતો. સ્થાપના સમયે રોપવામાં આવેલી ખાંભી આજે પણ દરબારગઢ નજીક દિલાવર સાયકલ સ્ટોર્સમાં જોવા મળે છે. આ ઉપરાંત લાખોટા તળાવ પર આવેલી જામ રણજીતસિંહ, જામ દિગ્વિજયસિંહજી અને જામ રાવળજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા

જામનગર શહેરમાં આજે પણ લાખોટા તળાવ, રણજીતસાગર ડેમ, ભૂજીયો કોઠો, ખંભાળિયા ગેટ અને સર્કિટ હાઉસ જેવી ઐતિહાસિક ઈમારતો મોજૂદ છે. રાજેન્દ્ર રોડ અને રણજીત રોડ જેવા રસ્તાઓનું નિર્માણ જામરાજવીઓના સમયમાં થયું હતું. વર્ષો બાદ પણ શહેરીજનો આજે તેનો લાભ લઈ રહ્યા છે.

