“સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત”ની નેમ સાથે દેશભરમાં સ્વચ્છતાનું મહત્વ સમજાવવા સ્વચ્છ ભારત મિશન અર્બનની કચેરી દ્વારા “સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪”ના ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે રાજકોટના જસદણ શહેરવાસીઓ શહેરની સ્વચ્છતા જાળવી રાખે તે માટે જુદા-જુદા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ સંદર્ભે ભીના અને સૂકા કચરાનું વર્ગીકરણ કરીને અલગ-અલગ કચરા પેટીમાં નાખવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો, જાહેર સ્થળો પર ગંદકી ન ફેલાવી યોગ્ય જાળવણી કરવી, ઘરે કમ્પોસ્ટ ખાતર બનાવવું, ઈન્ટરનેટ પર પબ્લિક ટોઇલેટ અથવા એસ.બી.એમ. ટોઇલેટ સર્ચ કરી નજીકના સાર્વજનિક શૌચાલયના માહિતી મેળવી ઉપયોગ કરવો વગેરે સહિતની માહિતી આપતા પોસ્ટર્સ શહેરના જાહેર સ્થળો પર લગાવવામાં આવ્યા છે. ઉપરાંત, શહેરના વિવિધ વિસ્તારોની દીવાલ પર ભીંત ચિત્રો દ્વારા સ્વચ્છતા સંબધિત માહિતી આપવામાં આવી છે.