કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની યજમાની ગુજરાતને મળ્યા પછી ગાંધીનગર મહાનગરપાલિકાએ પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં કોમનવેલ્થ ગેમ્સના ભવ્ય આયોજન માટે નવીન આયોજનો હાથ ધરાઈ રહ્યાં છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા પંચેશ્વર સર્કલથી કોબા સર્કલ રોડને વિકસાવવા રૂ.૧૫૭ કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવાનું પ્લાનિંગ કરી રહી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને પંચેશ્વર સર્કલથી કોબા સર્કલ રોડ ડેવલપમેન્ટની કામગીરી માટે રૂ.૧૪૯.૮૩ કરોડના અંદાજિત ખર્ચ સાથે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં ૪.૭૦ ટકા ઊંચા ભાવ ભરનારી એજન્સીને રૂ.૧૫૬.૮૬ કરોડના ખર્ચ સાથે આ કામગીરી સોંપવાની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવી છે.
જેના પર આજે શનિવારે યોજાનારી સ્થાયી સમિતીની બેઠકમાં ર્નિણય લેવામાં આવશે. અગાઉ ધોળાકુવા જંક્શનથી પંચેશ્વર સર્કલ સુધી ડેવલપમેન્ટ કરવા ર્નિણય લેવાયો હતો. આ કામગીરી માટે કન્સલટન્ટ તરીકે પસંદ થયેલી એજન્સીને પ્રોજેક્ટ કોસ્ટનાં ૧.૫૦ ટકા લેખે ચૂકવણી કરવામાં આવશે. આમ કોમનવેલ્થ ગેમ્સ પહેલા ધોળાકુવાથી કોબા સર્કલ સુધીનો સમગ્ર વિસ્તાર આઈકોનિક રોડને ટક્કર મારે તેવી અદ્યતન સુવિધાઓ અને ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે.
એ જ રીતે જ્યાંથી સમગ્ર રાજ્યનું સંચાલન થાય છે એવા સચિવાલયની સલામતી વ્યવસ્થા સઘન બનાવવાના હેતુથી સચિવાલય સંકુલના ગેટ નં-૨થી ‘જ’ રોડ સુધી કમ્પાઉન્ડ વોલ સાથે તાર ફેન્સિંગ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. સચિવાલય ગેટ નંબર ૨ માત્ર મુખ્યમંત્રી અને મંત્રીઓ માટે ખુલ્લો કરવામાં આવતો હોય છે. જ્યારે વડાપ્રધાન સહિતના વીવીઆઈપી મહાનુભાવો સચિવાલય હેલિપેડથી સીધા રાજભવન જવા આ રૂટ પરથી પસાર થતા હોય છે. આ જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની પણ સતત અવરજવર રહેતી હોય છે. આમ સુરક્ષાની દ્રષ્ટી આ રોડને કમ્પાઉન્ડ વોલથી સુરક્ષિત કરી દેવા માટે ૨.૩૨ કરોડના અંદાજ સાથે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ૩૫ ટકા નીચા ભાવ ભરનારી એજન્સીને રૂ.૧.૫૦ કરોડમાં આ કામગીરી સોંપવામાં આવશે. બીજી તરફ ઔડાનું ૨૭ સ્ન્ડ્ઢ પાણી જાસપુરના સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકાએ જાસપુર ખાતે ૧૦૦ એમએલડીની ક્ષમતાવાળા સીવરેજ ટ્રીમેન્ટ પ્લાન્ટનો લાભ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે ઔડાને પણ આપવાનો ર્નિણય લીધો છે.
ઔડાના ૨૭ એમએલડી પાણીને જાસપુર ખાતે ટ્રીટ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના આ પ્લાન્ટમાં ઔડાના પાણીને ટ્રીટ કરવા માટે એકંદર ખર્ચના પ્રમાણસર રકમ વસૂલ કરવામાં આવશે. એ જ રીતે ન્યૂ ગાંધીનગરમાં રોડ-રસ્તા માટે રૂ.૭૭ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે. ન્યૂ ગાંધીનગરના કુડાસણ, રાયસણ, રાંદેસણ, સરગાસણ, કોબા નભોઈ, પોર અને અંબાપુર ગામના ટીપી વિસ્તારોમાં નવા રોડ બનાવવા તથા જૂના રોડ-રસ્તાના રીસરફેસિંગ માટે રૂ.૭૩ કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત પાલજ અને બાસણમાં આરસીસી રોડ બનાવવા રૂ.૪.૩૦ કરોડના ટેન્ડરને પણ મંજૂરી આપવામાં આવશે.

