વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 6 સામેના રસ્તા પર ખાણી-પીણીની લારીઓના દબાણ પર પાલિકાની ટીમે સપાટો બોલાવ્યો હતો.
આજે સવારે લારીઓ ગોઠવાતાની સાથે પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, વેપારીઓએ પાલિકા દ્વારા ખોટી રીતે લારીઓ જપ્ત કરી હોવાનું જણાવી પાલિકાની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો.
લારી ધારકોએ જણાવ્યું હતું કે, અમે દર મહિને રૂપિયા 1 હજાર ભરીએ છીએ. છતાં અમારી લારીને જપ્ત કરી લેવામાં આવે છે.
દબાણ શાખાના કર્મીનું કહેવું છે કે, અમે ઉપરથી મળેલા આદેશ અનુસાર કાર્યવાહી કરી રહ્યા છીએ. કાર્યવાહી દરમિયાન બે ટ્રક ઉપરાંત સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી પાલિકા દ્વારા દબાણો દુર કરવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. આજે વડોદરાના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6ની સામે આવેલા રોડ સાઇડના દબાણો પર પાલિકાની ટીમો ત્રાટકી હતી.
કાર્યવાહી દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને તથા ટ્રાફિકનું નિયમન સુચારૂ રૂપે થાય તે માટે પોલીસનો પુરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. મોટા ભાગે અહિંયા વહેલી સવારથી લઇને મોડી રાત સુધી ખાણી-પીણીની લારીઓ ધમધમતી હોય છે, જેના કારણે ટ્રાફિક જામ થઇ જતો હતો.

