રેલવે મંત્રાલયે નવસારી જિલ્લામાં વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મંજૂર કર્યું છે. આ નિર્ણય બાદ નવસારી સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે આનંદ વ્યક્ત કર્યો હતો. અઠવાડિયા અગાઉ નવી દિલ્હીમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહે નવસારીમાં વંદે ભારત ટ્રેનના સ્ટોપેજની માંગણી કરી હતી. મંત્રાલયે આ માંગણી પર સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત થવાની અપેક્ષા છે.
આજે નવસારી સર્કિટ હાઉસ ખાતે ભાજપના કાર્યકરો અને શહેરના ઉદ્યોગપતિઓએ સાંસદ સી.આર. પાટીલને ફૂલોના ગુલદસ્તા આપી આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ તીઘરા સ્થિત મતીયા પાટીદાર વાડીમાં પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં PM કિસાન ઉત્સવ સમારોહમાં પણ તેઓ હાજર રહ્યા છે.
દિલ્હીની બેઠકમાં નવસારી જિલ્લાના રેલવે વિકાસ સાથે જોડાયેલા અનેક પ્રશ્નો પર પણ ચર્ચા થઈ હતી. સ્ટેશનના આધુનિકીકરણ, પ્લેટફોર્મ વિસ્તરણ, પાર્કિંગ સુવિધા, મુસાફરો માટે આધુનિક સુવિધા કેન્દ્ર, વિવિધ એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ અને લોકલ ટ્રેન સેવા જેવા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. રેલ મંત્રીએ આ મુદ્દાઓને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી કરવાનો વિશ્વાસ આપ્યો હતો. સુરત અને વાપી વચ્ચે ચાલતી મેમુ ટ્રેન માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે પણ રેલવે મંત્રાલયે સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.

