Gujarat

રાજકોટના ભૂમાફિયાઓને થયો ફરી જેલવાસ

રાજકોટ નજીક હરીપર પાળ ગામે પુષ્પાપાર્કના ચર્ચાસ્પદ જમીન કેસમાં નામચીન આરોપી બલી ડાંગર અને તેના સાગરીતોના જામીનનો હુકમ રદ કરી સુપ્રીમ કોર્ટે 24 ઓક્ટોબર સુધીમાં સરેન્ડર થવા આદેશ કર્યો હતો. જેને લઇ 24 ઓક્ટોબરના આરોપી બલદેવ ઉર્ફે બલી વીરભાનું ડાંગર, અર્જુન જલુ અને રામદેવ ડાંગર ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું.

જે બાદ ત્રયેણને ગોંડલ જેલ હવાલે કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ જમીન પ્રકરણ અંગે વર્ષ 2014માં લોધિકા પોલીસ સ્ટેશનમાં બલી ડાંગર અને તેની ટોળકી સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આરોપીઓએ ખુલ્લા પ્લોટો પર ગેરકાયદે રીતે કબજો જમાવી, ત્યાં ફાર્મહાઉસ બનાવી અને પ્લોટ ધારકોને ત્યાં પ્રવેશતા અટકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

2022માં ગુજરાત હાઇકોર્ટમાં જામીન રદ કરવા થઇ હતી અરજી એડવોકેટ વિજયરાજસિંહ જાડેજાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રાજકોટના રહેવાસી હિમાંશુભાઈ જાની દ્વારા વર્ષ 2014માં લોધીકા પોલીસ સ્ટેશન ખાતે કુલ 22 લોકો સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી હતી.

જેમાં આરોપીઓ દ્વારા ખોટા દસ્તાવેજો બનાવી પ્લોટ પર કબજો કરવામાં આવ્યો હતો અને હિમાંશુ જાનીને જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ કેસમાં આરોપીઓની ધરપકડ બાદ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી ફરિયાદી દ્વારા વર્ષ 2022માં જામીન રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.