વડોદરા રેલવે પોલીસ, RPF અને ચાઇલ્ડ વેલ્ફેરની ટીમે સાથે મળી બિહારના કટિયા જિલ્લામાંથી મુંબઇ સ્પેશિયલ ટ્રેનમાં આવેલા 18 બાળકોનું રેસ્ક્યૂ કર્યું હતું. આ 18માંથી 11 સગીર છે. આ બાળ તસ્કરીની આશંકાને લઈ પોલીસે બાતમીના આધારે તેઓને વડોદરા લાવી પૂછપરછ શરૂ કરી છે.
મહત્વની વાત એ છે કે, આટલી નાની ઉંમરના બાળકો ક્યાં જતા હતા?, કેમ તેઓ પોતાના સગા-સંબંધી પાસે એકલા આવતા હતા?, આ બાળ તસ્કરીનું રેકેટ છે કે કેમ? તે તમામ દિશામાં હાલમાં રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રેસ્ક્યૂ કરાયેલા બાળકો સહિત તમામ લોકો કોઈ બાળ તસ્કરી ટોળકીનો શિકાર બન્યા છે કે કેમ? તેની પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
ટ્રેનમાંથી 11 સહિત 18નું રેસ્ક્યૂ આ અંગે જીઆરપી વડોદરા ડિવિઝનના એસીપી જી. એસ. બારિયાએ જણાવ્યું હતું કે, બિહારના કટિયા જિલ્લામાંથી મુંબઈ સ્પેશિયલ ટ્રેન આવેલી હતી, જેમાં ચાઇલ્ડ વેલ્ડર સંસ્થાને બાતમી મળી હતી કે, 18 બાળકોની તસ્કરી કરવામાં આવી છે.
જેના આધારે વડોદરા રેલવે પોલીસે, બાળ તસ્કરી અને RPF સાથે મળી 18 બાળકનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. 18 પૈકી 7 બાળકો 18 વર્ષથી ઉપરના છે અને 11 બાળકો 18 વર્ષથી ઓછી ઉંમરના છે.

