કરજણ નગરના નવા બજાર વિસ્તારમાં ઠેર ઠેર ગટરો ઉભરાઇ રહી છે. હાલની ગરમીમાં જાહેર માર્ગો પર અને સોસાયટી વિસ્તારમાં આ ઉભરાતી ગટરોના ગંદા પાણી ઘૂસી જતાં રહીશોમાં બીમારીનો ભય સતાવી રહ્યો છે.
નગરપાલિકાના ગટર લાઇનનું પંપિંગ સ્ટેશન હોવા છતાં કયા કારણોસર ગટર ઉભરાય છે એ તપાસનો વિષય બન્યો છે.
કરજણ નવા બજાર વિસ્તારમાં જૂના ઓવરબ્રિજથી મિયાગામ ચોકડી પાસે આવેલ કરજણ પબ્લિક સ્કૂલ નજીક જ જાહેર માર્ગ ઉપર ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે. જ્યારે સાંઇ સુમેરુ સોસાયટી પાસે પણ ગટરનું પાણી ઉભરાઈને ખાનગી પ્લોટમાં જઈ રહ્યું છે.
તો નવા ઓવરબ્રિજ પાસે પ્રયોગશા ચોકડી પાસે આવેલ પાર્થિવ બંગલો પાસે જાહેર માર્ગ ઉપરથી ઉભરાતું ગટરનું ગંદું પાણી સોસાયટીમાં જાય છે.
શ્રીનિધિ સોસાયટીમાંથી પણ ગટરો ઉભરાઈને જાહેર માર્ગો પર આવે છે. આમ વિવિધ વિસ્તારોમાં દુર્ગંધ મારતા ગટરના પાણીથી રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. તેમજ હાલની ગરમીમાં આવા ગંદા પાણીથી રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે.
નગરપાલિકા દ્વારા પંપિંગ સ્ટેશન આવેલું છે છતાં પણ નગરમાં ગટરો ઉભરાઈ રહી છે. વહેલી તકે આ ઉભરાતી ગટરોની સમસ્યા હલ કરાય તેવી રહીશોની માંગ ઉઠી છે.

