Gujarat

ગિરનાર પર્વત પર પવનની ગતિ અસામાન્ય રીતે વધી જતાં રોપ-વે સેવા અનિશ્ચિત સમય સુધી બંધ

તંત્ર દ્વારા જૂનાગઢ સ્થિત સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત પર રવિવારે (૨૬ ઓક્ટોબર) પવનની ગતિ અસામાન્ય રીતે વધી જતાં રોપ-વે સેવા અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. રોપ-વે સંચાલક કંપનીએ યાત્રાળુઓની સલામતીને સર્વોપરી રાખીને આ સાવચેતીનું પગલું ભર્યું છે.

રોપ-વેની કેબિનનું સંચાલન ભારે પવનની સ્થિતિમાં અત્યંત જાેખમી બની શકે છે. એવામાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેથી તેને ટાળવા માટે વહીવટી તંત્રના સમર્થનથી રોપ-વે બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. રોપ-વેના સંચાલકોએ સ્પષ્ટ કર્યું છે કે, પવનની ગતિમાં ઘટાડો થયા બાદ અને વાતાવરણ સામાન્ય બન્યા પછી જ સેવા ફરી શરૂ કરવામાં આવશે. રોપ-વે સેવા બંધ થવાને કારણે મોટી સંખ્યામાં આવેલા યાત્રાળુઓને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે, ખાસ કરીને જેઓએ ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું. હાલમાં, દાદાના દર્શન માટે યાત્રાળુઓએ પગથિયાં ચઢીને જ ગિરનારની ટોચ પર જવું પડશે, જેના કારણે વૃદ્ધો અને શારીરિક રીતે અસમર્થ મુસાફરોને વધુ મુશ્કેલી પડી રહી છે.

હાલ, તંત્ર તરફથી પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ સુરક્ષાની બાબતમાં બાંધછોડ ન કરે અને પરિસ્થિતિ સામાન્ય થવાની રાહ જુએ. રોપ-વે ઓથોરિટી સમયાંતરે પવનની ગતિ પર નજર રાખી રહી છે અને સ્થિતિ સુધરતાં જ સેવા ફરી શરૂ કરવામાં આવશે.