Gujarat

બોસ્વાનાની રફ હીરાની હરાજી હવે સીધી સુરત ડાયમંડ બુર્સમાં થશે

અમેરિકા દ્વારા ભારતીય વેપાર પર લાદવામાં આવેલા ટેરિફની અસરને પગલે સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વૈશ્વિક વેપારને વેગ આપવા માટે મોટી કવાયત હાથ ધરવામાં આવી છે. આ કવાયતના ભાગરૂપે, હીરાની રફના વેપારનું મુખ્ય કેન્દ્ર દુબઈને બદલે સીધું સુરત બને તે માટે બોસ્વાના સાથે મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી છે. આ ચર્ચાઓના નક્કર પરિણામ સ્વરૂપે, હવે બોસ્વાનાની માઇનિંગમાંથી નીકળતી રફ હીરાની હરાજી આગામી દિવસોમાં સુરત ડાયમંડ બુર્સ ખાતે જ કરવામાં આવે તેવી ચર્ચા કરવામાં આવી છે.

બોસ્વાનાની માઇનિંગમાંથી નીકળતા રફ હીરાને સીધી સુરતમાં હરાજી સુરત ચેમ્બરનું એક પ્રતિનિધિ મંડળ તાજેતરમાં બોસ્વાનાની મુલાકાતે ગયું હતું. આ મુલાકાતનો મુખ્ય હેતુ બોસ્વાનાની માઇનિંગમાંથી નીકળતાં રફ હીરાને સીધી સુરતમાં હરાજી માટે લાવવાનો હતો. બોસ્વાનાની રફ હીરામાં 70 ટકા હિસ્સો ખાનગી કંપનીઓ પાસે હોય છે, જેની હરાજી મોટાભાગે દુબઈમાં થતી હતી. પરંતુ હવે, સુરત ચેમ્બર સાથેની ચર્ચામાં ખાનગી કંપનીના જવાબદારોએ સ્પષ્ટપણે સુરતમાં હરાજી કરવા માટેની તૈયારી બતાવી દીધી છે.

ઉદ્યોગકારોને રફ હીરાની ખરીદી માટે વિદેશ જવાની જરૂર નહીં પડે આ નિર્ણય સુરતના હીરા ઉદ્યોગકારો માટે એક ખૂબ મોટી રાહત સમાન છે. હવે ઉદ્યોગકારોને રફ હીરાની ખરીદી માટે વિદેશ જવાની જરૂર નહીં પડે, પરંતુ ઘરઆંગણે જ વિશ્વભરની ગુણવત્તાયુક્ત રફ હીરાની ખરીદી કરવાની વ્યવસ્થા ઊભી થઈ છે. આનાથી હીરા ઉદ્યોગને સીધો અને મોટો ફાયદો થશે.