સાવરકુંડલા ખાતે આવેલ સંત શ્રી ધનાબાપુના આશ્રમમાં દર પૂર્ણિમાના રોજ ભોજન ભજનનો અનોખો મહાયજ્ઞ યોજાય છે. આમ તો અહીં કોઈ પણ નાત જાતના ભેદભાવ રાખ્યા વગર બારેમાસ ભોજન પ્રસાદ શરૂ હોય છે. અને અહીં આવતાં તમામને ખૂબ જ હેત પ્રિતથી આ આશ્રમના મહંત રામજીબાપુ પોતે સ્વયં જમાડે છે.તો દર પૂનમના રોજ હેમંત પરમાર જેવાં અનેક ભજનીકો પોતાના ભજનના સૂર દ્વારા અલખની આરાધના કરે છે.

અનેક નામી અનામી ભજનીકો દર પૂનમના રોજ અહીં સાવરકુંડલાના ધનાબાપુ આશ્રમ ખાતે હરિનો નાદ અને અલખની આરાધના સાથે આખી રાત ભજનની રમઝટ બોલાવી પ્રભુને રાજી કરવાનો પ્રયાસ કરે છે. ભક્તિ અને ભોજનના સંત પ. પૂ. ધનાબાપુના સિધ્ધાંતને ચરિતાર્થ કરતાં સેવક સમુદાય સાથે આ આશ્રમના મહંત રામજી ભગત ગુરૂ પ્રસાદી સમજીને અલખની આરાધના કરતાં નજરે પડે છે.

આ આશ્રમમાં બારેમાસ ભૂખ્યાને પ્રેમથી ભોજન પ્રસાદ પ પૂ. રામજીબાપુ પોતે પોતાના હસ્તે પ્રેમપૂર્વક જમાડે છે.આમ ગુરૂ મહિમાની પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. આ આશ્રમના સેવકગણ અશોકભાઈ, બિપીનભાઈ, દાનાભાઈ, કાનાભાઈ, પ્રકાશભાઈ, હસુભાઈ સેવક, કાળુભાઈ, મૂળજી ભગત જેવાં બાપુના સેવકો આ આશ્રમમાં યથાશક્તિ પોતાની સેવા અર્પણ કરતાં જોવા મળે છે. ખાસ તો ધનાબાપુના જીવન ચરિત્રના સાક્ષી રૂપે આજે પણ આ આશ્રમની દિવાલો પર એમણે લખેલા સૂત્રો પણ જીવનના મર્મનો સાર સમજાવે છે.

વિશેષમાં આ આશ્રમની વાત કરીએ તો કોરોના કાળમાં પણ પ. પૂ. ધનાબાપુ અહીં દોઢસો બસો લોકોને એક જ પગંતમાં ભોજન પ્રસાદ ગ્રહણ કરાવતાં એ જ એના તપનું પરિમાણ છે. વળી સમગ્ર વિશ્ર્વ જ્યારે આ કોરોના વાયરસથી ફડફડતું હતું ત્યારે ધનાબાપુ ઈશ્ર્વરની ભક્તિ સાથે અનેક ભૂખ્યા લોકોને ભોજન કરાવતા અને આવી વિકટ પરિસ્થિતિમાં ઈશ્ર્વર પર અનન્ય શ્રધ્ધા અને ભક્તિના તપોબળથી આ આશ્રમમાં અનેક લોકોના સંસર્ગમાં આવ્યા છતાં એક પણ કોરોનાનો કેસ આ આશ્રમ ખાતે નોંધાયો ન હતો. સમય હોય અને સાવરકુંડલા આવવાનું થાય તો એકવખત આ આશ્રમના દર્શનાર્થે અવશ્ય જવું
બિપીન પાંધી સાવરકુંડલા

