આજના બુધ્ધિધનને પોતાના કૌશલ્યોને પ્રદર્શિત કરવા માટે પૂર્ણ અવકાશ મળે તેવી લાયબેરી નિર્માણ થાય તેવું વિદ્યાર્થીઓ ઇચ્છે છે
આજના હાઈટેક ટેકનોલોજીના યુગમાં સાંપ્રત સમય સાથે કદમ મિલાવવા આવી સુવિધાસભર લાયબેરી ગરીબ અને મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને મળે તો એ દેશની કાયાપલટ કરી શકે.
આ યુગ નોલેજ અર્થાત્ જ્ઞાનનો છે જેમાં લાયબ્રેરીનું ખૂબ અગત્યનું સ્થાન ગણાય.
ગરીબ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને કે જેને માટે પોતાના ઘરે વાંચન કે જ્ઞાનપ્રાપ્તિ માટે શાંતિથી બેસીને વાંચવાની સુવિધા નથી તેવા લોકો માટે સુવિધાસજજ લાયબ્રેરી આશીર્વાદ રૂપ ગણાય
લાયબ્રેરી જેવા જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા પણ લાગેલા હોવા જોઈએ
સામાન્ય રીતે લાયબ્રેરી એ શાંતિ અને સરસ્વતી સાધનાનું સ્થાન ગણાય એટલે સંપૂર્ણ વેન્ટિલેશનયુક્ત ( પર્યાપ્ત હવાઊજાસવાળી) ઈમારતમાં હોવી જોઈએ. કારણ કે લાંબો સમય લાયબ્રેરીમાં વાંચકો રહેતા હોય શુધ્ધ હવા અને ઉજાસ શારિરીક અને માનસિક સ્વસ્થતા માટે બુસ્ટિંગ ડોઝનું કાર્ય કરી શકે
સાવરકુંડલા શહેરમાં લાયબ્રેરીની સુવિધા સંદર્ભે ગ્રાઉન્ડ રીઆલીટી જાણવા પત્રકાર બિપીનભાઈ પાંધીનો સહર્દય પ્રયાસ

લાયબ્રેરી એ સરસ્વતી સાધના અને જ્ઞાન સંપાદન કરવાનું અનોખું પરબ છે. કોઈ પણ ગામ કે શહેરની લાયબ્રેરી જોઈને ત્યાંના બુધ્ધિ ધનનું થોડુ ઘણું અનુમાન લગાવવામાં આવે છે. સાવરકુંડલા શહેરના હાર્દ સમા વિસ્તાર અને શેઠ શેરીમાં નગરપાલિકા સંચાલિત એક લાયબ્રેરી આવેલ છે. આ લાયબ્રેરી ઘણાં સમય સુધી જીર્ણશીર્ણ સ્થિતિમાં પણ જોવા મળી હતી. જો કે વાંચકો અને વિદ્યાર્થીઓની સતત રજૂઆતને અંતે તત્કાલીન નગરપાલિકા પ્રમુખ ડી.કે.પટેલને કાને આ વાત નાખતાં તેણે સ્વયંમ આ લાયબ્રેરીની મુલાકાત લીધી હતી અને તે સમયે પત્રકાર બિપીનભાઈ પાંધી સમેત અનેક નિયમિત વાંચકોએ આ લાયબ્રેરીનો ઉધ્ધાર કરી તેનું રીનોવેશન કરવા હાર્દિક અને આગ્રહભરી વિનંતી કરી હતી અને ડી. કે પટેલે એ વાતને તુરંત ગ્રાહ્ય રાખી ટૂંક સમયમાં જ તેનું યુધ્ધના ધોરણે રીનોવેશનની કામગીરી હાથ ધરાવી અને અને વાંચકોને એક સુંદર ઈમારત સાથે લાયબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવેલ.

આ વાતને કોઈ નકારી શકે તેમ નથી. વધુમાં આ લાયબ્રેરીની પૂર્વ કેન્દ્રીય પ્રધાન પરશોતમભાઈ રૂપાલાએ પણ તરતું પુસ્તક અભિયાન વખતે મુલાકાત લીધી હતી. જો કે આ વાતને વહાણાં વીતી ગયા પરંતુ હવે જેમ જેમ દેશમાં શિક્ષણની ભૂખ ઊઘડતી જાય છે તેમ તેમ હવે આવી લાયબ્રેરીઓમાં વધુ સુવિધા ઉપલબ્ધ થાય એ સમયની માંગ છે.

હાલ સાવરકુંડલા ખાતે સૂર્ય નિવાસ કોમ્પલેક્ષના અંડર ગ્રાઉન્ડ વિભાગમાં સાવરકુંડલા તાલુકા સરકારી લાયબ્રેરી પણ કાર્યરત છે જે લગભગ છેલ્લા એકાદ વર્ષથી અહીં સ્થળાંતર થઈ છે તેવુ જાણવા મળ્યું છે. આ પહેલા આ પુસ્તકાલય સાવરકુંડલા ખાતે અન્ય જીર્ણશીર્ણ બિલ્ડિંગમાં હતી. જેનું સ્થળાંતર અહીં સૂર્યનિવાસ કોમ્પલેક્ષના અંડરગ્રાઉન્ડ વિભાગમાં થયુ છે જ્યાં હવાઉજાસની ખૂબ ઓછી માત્રામાં અવરજવર રહે છે. અને સૂર્ય પ્રકાશની પણ હાજરી ન હોય તેવું જણાય છે. એટલે આમ ગણીએ તો ઊલમાંથી ચૂલમાં જેવો ઘાટ ગણાય. જો કે આ લાયબ્રેરીમાં વીજળીની સગવડ છે પરંતુ વાંચકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પર્યાપ્ત માત્રામાં હવા ઉજાસ આવશ્યક હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે.

હા સાવરકુંડલા શહેરમાં એકાદ ખાનગી લાયબ્રેરી પણ છે પરંતુ સરકાર કે સ્થાનિક નગરપાલિકા દ્વારા સંચાલિત લાયબ્રેરીમાં હજુ વધુ સુવિધા સજ્જ લાયબ્રેરીનું નિર્માણ થાય એ સાવરકુંડલાના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અને વાંચકો માટે આશીર્વાદ રૂપ બને તેવું આજના ગળાકાપ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને તથા વાચકોને લેટેસ્ટ અપડેટ સાથે જીવનમાં પ્રગતિ કરવા માટે જરૂરી છે. વિશેષમાં વાંચનાલયનો સમય સરકારી સમયની મર્યાદા ઓળંગીને ચોવીસ કલાક અથવા તો મિનિમમ બાર કલાક હોય તેવું વાચક અને વિદ્યાર્થીઓ તથા પરીક્ષાર્થીઓ ઇચ્છી રહ્યા છે.

ખાસ કરીને વાંચનાલયમાં સંપૂર્ણ સફાઈ તેમજ ટેબલ ચેર, ફેન વગેરે પૂરતાં પ્રમાણમાં વ્યવસ્થા, પરીક્ષાર્થીઓને ઉપયોગી સ્પર્ધાત્મક મેગેઝિન તેમજ અન્ય સાહિત્ય. ઈન્ટરનેટ કે વાઈ-ફાઈ દ્વારા દેશ વિદેશના ખૂણે ખૂણેથી જરૂરી સાહિત્ય ડાઉનલોડ કરી શકે તેવી સુવિધા તેમજ મહિલાઓ માટે અલગ શૌચાલય બનાવવા જોઈએ તેવો વાચક વર્ગમાંથી સૂર ઉઠતો જોવા મળે છે. હા, સાવરકુંડલા ખાતે આવેલ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે ભવિષ્યમાં એક અદ્યતન લાયબ્રેરીનું નિર્માણ થશે એ વાત સાવરકુંડલા માટે ગૌરવ લેવા જેવી છે.

હા, અહીં સાવરકુંડલા તાલુકા લાયબ્રેરીમાં ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે તેમ તેના ગ્રંથપાલે જણાવ્યું હતું આમ એકંદરે લાયબ્રેરી એ માત્ર વર્તમાનપત્ર, મેગેઝિન, નવલકથા, ગઝલ સાહિત્ય માટે જ નથી પરંતુ આજના હાઈટેક યુગમાં સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભે તેમજ શૈક્ષણિક સંદર્ભે કે રીસર્ચ માટે પર્યાપ્ત માત્રામાં સાહિત્ય ઉપલબ્ધ થાય તેવી હોવી જોઈએ અને તો અને તો જ ગરીબ મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને આ ગળાકાપ હરીફાઈના યુગમાં આઈએએસ, મેનેજમેન્ટ, ટેકનોક્રેટ, સારા વકીલ, સમાજ સેવક, પત્રકાર, રાજકીય નેતા, સારા વેપારી કે તબીબ વગેરે બનવા માટે પર્યાપ્ત આકાશ (સ્કોપ) મળે અને સાવરકુંડલા તેમજ તાલુકાની યુવા પેઢીને દેશના અન્ય વિદેશના સંપર્કમાં રહીને પોતાનું કૌશલ્ય કે સ્કીલ દર્શાવવાની પૂર્ણ તક મળે. આ માટે જ સાવરકુંડલા શહેર એક અદ્યતન ટેકનોલોજી સાથે સંપૂર્ણ સુવિધા સજ્જ બારે માસ ચોવીસે કલાક ખુલ્લી રહેતી લાયબેરી ઝંખે છે.
બિપીન પાંધી સાવરકુંડલા

