Gujarat

સાવરકુંડલા શહેરની હેડ પોસ્ટ ઓફિસ છેલ્લાં ઘણાં દસકાઓથી પોતાની માલિકીની ઈમારતની રાહ જોઈ રહી છે!

સાવરકુંડલા હેડ પોસ્ટ ઓફિસ હાલ સાવરકુંડલા નગરપાલિકાના ભાડાના વર્ષો પુરાણા જર્જરિત ઈમારતમાં આવેલી છે. 
દિવ્યાંગો તથા સિનિયર સિટીઝન માટે કોઈ વ્યવસ્થા જોવા મળતી નથી એવી ઈમારતમાં હવે સંપૂર્ણ નવીનીકરણની જરૂર છે.
પોસ્ટ ઓફિસની સુવિધા મેળવતાં તમામ માટે બેસવા અથવા ઊભું રહેવા માટે પણ પર્યાપ્ત  જગ્યાનો અભાવ જોવા મળે છે.
પાર્કિંગ માટે કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ઘણી વખત તો પ્રવેશદ્વાર પાસે દ્વિચક્રી વાહનો પાર્ક થયેલા જોવા મળે છે.
હેડ પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેનના સ્ટાફની જરૂર કરતાં ઓછો હોય પોસ્ટમેનની આ અછતને લીધે ઉપસ્થિત પોસ્ટમેન પાસે વર્કલોડ  વધુ જોવા મળે છે.
બાર પોસ્ટમેનની જગ્યાએ હાલ માત્ર સાત પોસ્ટમેનનો સ્ટાફ જોવા મળે છે.
પોસ્ટઓફિસની હાલત બિસ્માર હોય સ્લેબ પરના ગાબડા તથા દિવાલો પર પણ ગાબડા પડેલા  જોવા મળે છે.
નબળી ઈમારત હોવાથી કોઈ દુર્ઘટના ન બને તે માટે પણ નવીનીકરણ થાય તે ઇચ્છનીય છે
નબળી ઇમારતને કારણે કોઈ દુર્ઘટના બનશે તો તેનું જવાબદાર કોણ?
સાવરકુંડલા નગરપાલિકા અને પોસ્ટ વિભાગ દ્વારા યોગ્ય સંકલન દ્વારા આ ઈમારતને નવીનીકરણ કરવું જોઈએ તેવું લોકો ઈચ્છી રહ્યા છે
આમ તો સાવરકુંડલા શહેરની હેડ પોસ્ટ ઓફિસ એટલે આમ જનતા માટે સંદેશાવાહક અને નાણાંકીય લેવડ દેવડનું સુલભ માધ્યમ.  સાવરકુંડલા શહેરની હેડ પોસ્ટ ઓફિસમાં લોકો પોતાની ફિકસ ડિપોઝીટનું વળતર, રજિસ્ટર્ડ લેટર, મની ઓર્ડર કે પોસ્ટને લગતી ઘણી બાબતો માટે પોસ્ટ ઓફિસની મુલાકાત લેતાં જોવા મળે છે.તો વળી આધાર કાર્ડની પણ અમુક કામગીરી માટે પોસ્ટ ઓફિસની મુલાકાત લેતાં જોવા મળે છે. . જો સાવરકુંડલા શહેરની હેડ પોસ્ટ ઓફિસને પોતાની સગવડતા સભર ઈમારત હોય તો લોકો માટે ઘણું આરામદાયક બને તેમજ લોકોને પણ એક સુવિધાસભર અદ્યતન ઈમારતની સગવડ મળી શકે. આમ તો અમરેલી જિલ્લાની ઘણી પોસ્ટ ઓફિસને પોતાની સ્વતંત્ર ઈમારતો છે.
હાલ ભાડાની ઈમારતમાં આવેલ આ પોસ્ટ ઓફિસમાં ખાસ તો આ જર્જરીત જેવી હાલમાં રહેલી- ઈમારતમાં ઠેર ઠેર ગાબડા પડેલા જોવા મળે છે. આ સંદર્ભ સબ  પોસ્ટ માસ્તર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ ઈમારત જર્જરીત હોય તેનું જીર્ણોધ્ધાર કરવું જરૂરી છે. પોસ્ટ વિભાગ દ્વારા આ સંદર્ભે નગરપાલિકા સાથે પત્રવ્યવહાર ચાલુ છે. પોસ્ટ ઓફિસમાં કામગીરી કરતાં કર્મચારીઓ પણ આ ગાબડાથી પરેશાન છે.
   
આવી ઈમારતમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે પણ તેનો જીર્ણોધ્ધાર આવશ્યક છે. આ પોસ્ટ ઓફિસ સંદર્ભે સાવર નગરપાલિકા ચીફ ઓફિસર બોરડ સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું નગરપાલિકા પ્રમુખ  સમેત નગરપાલિકાની ટીમે પણ આ સંદર્ભે પોસ્ટ વિભાગ સાથે મસલત કરીને પોસ્ટ વિભાગ પોતાના ખર્ચે આ ઈમારતનું આવશ્યક રીપેરીંગ કરી લે અને ત્યારબાદ પોસ્ટ વિભાગે ખર્ચેલી રકમ ભાડાની રકમમાંથી બાદ કરી લેવી એમ કહ્યું હતું. આ પોસ્ટ ઓફિસનો પ્રશ્ર્ન તાલુકાની સંકલન મિટિંગમાં પણ ચર્ચાયો છે. હવે વાત ફાઇલોમાં અટવાયેલી  છે. આ સંદર્ભે વહેલી તકે આ ઈમારતનું નિર્માણ થાય તે માટે કાર્યવાહી હાથ ધરવી જોઈએ. અને હાલની જર્જરીત ઈમારતનું યોગ્ય જીર્ણોધ્ધાર થાય તે લોકો અને પોસ્ટ વિભાગના કર્મચારીઓ માટે હિતાવહ છે.
દેશ જ્યારે બેંકિંગ ક્ષેત્રે ક્રાંતિકારી સુધારાઓ કરી રહી હોય અને પોસ્ટ વિભાગ પણ હવે બેંકિંગ ક્ષેત્ર જેવું કાર્ય કરી રહી હોય લોકોનો પોસ્ટ ઓફિસ ખાતે વધારે ધસારો જોવા મળે તે પણ સ્વાભાવિક છે.  આ સંદર્ભે સાંસદ  અને સાવરકુંડલા ધારાસભ્યે પણ તાકીદે પોસ્ટ વિભાગમાં જોરદાર રજૂઆત કરી પોસ્ટ વિભાગને પોતાની માલિકીની પોસ્ટ ઓફિસ બને તે માટે યોગ્ય કાર્યવાહી કરાવવા સંનિષ્ઠ પ્રયાસો કરવા જોઈએ અને જ્યાંસુધી પોતાની માલિકીની પોસ્ટ ઓફિસ ન નિર્માણ પામે ત્યાંસુધી ભાડાની આ ઈમારતનો યોગ્ય જીર્ણોદ્ધાર કરાવી સુવિધા સભર ઈમારત બનાવવી જોઈએ તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે.
બિપીન પાંધી સાવરકુંડલા