સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના નેતૃત્વમાં વિસ્તારના સર્વાંગી વિકાસની ગાથાને દર્શાવતું ‘ઋણાનુંબંધ’ પુસ્તકનું ભવ્ય લોકાર્પણ તા. ૨૮-૧-૨૫ના રોજ સાંજે ૩ કલાકે દશા શ્રીમાળી જૈન બોર્ડિંગ, કાપેલ ધાર, સાવરકુંડલા ખાતે યોજાયું હતું. આ કાર્યક્રમમાં નેસડી ખોડલધામના સંત પ. પૂ
લવજી ભગત, સાંસદ ભરતભાઈ સુતરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા અનુસુચિતજાતિ મોરચાના અધ્યક્ષ શ્રી કેશુભાઈ વાઘેલાના વરદહસ્તે પુસ્તકનું વિધિવત્ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પુસ્તકમાં વિધાનસભા વિસ્તારમાં છેલ્લા વર્ષના થયેલા વિકાસ કાર્યોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. રસ્તાઓનું નવીનીકરણ, પાણી પુરવઠાની સુવિધાઓમાં વધારો, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવેલા પ્રયાસો, ગ્રામીણ વિકાસ અને રોજગારીની તકો સર્જન જેવા વિવિધ ક્ષેત્રોમાં થયેલા કામોની વિગતવાર માહિતી આ પુસ્તકમાં સમાવિષ્ટ કરવામાં આવી છે.

આ ભવ્ય કાર્યક્રમમાં શહેરના તમામ જ્ઞાતિ સમાજના પ્રબુદ્ધ નાગરિકો, વેપારી મિત્રો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સેલ મોરચાના હોદ્દેદારો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના સભ્યો શહેરના પ્રતિષ્ઠિત પત્રકારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકોમાં આ સરવૈયા સમા ઋણાનુબંધ પુસ્તક પ્રત્યે વિગતો જાણવા ભારે ઉત્સુકતા જોવા મળી હતી. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ વિધાનસભાના વિકાસ માટે કરવામાં આવેલા પ્રયાસો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, “આ પુસ્તક વિધાનસભાના વિકાસની ગાથાને દર્શાવતો એક દસ્તાવેજ છે.

આપણે સૌએ મળીને વિધાનસભાના આ વિસ્તારને વધુ વિકસિત કરવાનું કામ કરવાનું છે.” તેમણે ભવિષ્યમાં વધુ વિકાસ કાર્યો કરવાની વાત કરી હતી. સાંસદ ભરતભાઈ સુતરીયાએ પણ વિધાનસભાના વિકાસમાં સહયોગ આપવાની વાત કરી હતી. તેમણે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને આ પુસ્તકને વિકાસની દિશામાં એક મહત્વનું પગલું ગણાવ્યું હતું. આ કાર્યક્રમનું સફળ આયોજન કરવા બદલ આયોજકોને ઠેર ઠેર અભિનંદન પાઠવવામાં આવી રહયા છે. આમ વિકાસ અને વિરાસતને આગળ ધપાવવાની પૂર્ણ જવાબદારી સાથે સમગ્ર ગુજરાતના ધારાસભ્યો માટે એક પથ દર્શક અને પ્રેરણા સમાન લેખાજોખા દર્શાવતો આ કાર્યક્રમ ભવ્ય દિવ્ય રીતે સંપન્ન થયો.

આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને શહેર તેમજ સાવરકુંડલા લીલીયા વિધાનસભાના વિસ્તારના પ્રજાજનોને કાર્યક્રમને બિરદાવ્યા. તેમજ ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો થતાં રહે તેવી અભિલાષા વ્યક્ત કરી. આમ આ કાર્યક્રમ સાવરકુંડલા લીલીયા વિધાનસભાના વિકાસના નવા અધ્યાયની શરૂઆત કરતો એક મહત્વનો દસ્તાવેજી પ્રસંગ ગણાય. આ દસ્તાવેજ સમું પુસ્તક ભાવિ પેઢી માટે પ્રેરણાનું સ્રોત બનશે. અને *હમ રહે ના રહે પર યે દિપક પ્રેરણા કા સદાય જલતા રહે* એ આશય અને શુભભાવના સાથે પારદર્શક વહીવટની પરંપરા સ્થાપિત કરવા માટેનો નમ્ર પ્રયાસ ગણાય.નેશનલ હાઈવે થી લઈને નલ સે જલ તક યોજનાને સાકાર કરવા માટે ધારાસભ્યશ્રીની બાજનજર છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે અને ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ કરવા માટે હવે આગળ આવવું પડશે. અને આધુનિક જમાના સાથે જોડાવા માટે સતત પ્રયત્નશીલ અને જાગૃત રહેવું પડશે. ગામડાની પરંપરા બદલવી પડશે. સ્વચ્છતા માટે સહિયારા પ્રયાસો કરવા પડશે. ગોકુળિયા ગ્રામની પરિકલ્પના સિધ્ધ કરવા માટે હવે સૌએ સહકારની ભાવના પણ કેળવવી પડશે. અંતમાં ધારાસભ્યશ્રીએ પૂર્ણ ભાવવાહી થઈને ઉપસ્થિત તમામનો સહ્રદયી આભાર માન્યો હતો એકંદરે આ પ્રયાસ શહેરના બુધ્ધિજીવોમાં પણ પ્રશંસા પાત્ર રહ્યો હતો.
બિપીન પાંધી સાવરકુંડલા