સુરત જિલ્લા સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા કો-ઓર્ડિનેટર તેમજ RTO દ્વારા મફત પરિવહન સુવિધા ધરાવતી તમામ તાલુકાની પ્રાથમિક શાળાઓનાં આચાર્યો, ડ્રાઇવરો તેમજ BRP (AR&VE) ની માર્ગ પરિવહન સુવિધા સલામતી માર્ગદર્શન તાલીમ શિક્ષક સહકાર ભવન, માંડવી ખાતે યોજવામાં આવી હતી.

સદર તાલીમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત બારડોલી RTO કચેરીનાં પી.બી. પટેલ દ્વારા માર્ગ સલામતી, વાહનોની ફિટનેસ, વિવિધ વીમાઓ, સીટ બેલ્ટ અને સલામતી સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમની સાથે ઉપસ્થિત દિવ્યેશભાઈએ PPT માધ્યમ દ્વારા માર્ગ સલામતી બાબતે સૌને વિશેષ માહિતી પ્રદાન કરી હતી. આ તકે જિલ્લા કો-ઓર્ડિનેટર કૈલાશબેન ભોયે દ્વારા શાળા કક્ષાએ RTO નાં નિયમોનું પાલન કરી બાળકોની સલામતી કેવી રીતે રાખવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

તેમણે આચાર્ય અને ડ્રાઇવરોને મૂંઝવતાં પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ કર્યો હતો. ઓલપાડનાં BRP (AR&VE) આકાશ પટેલ પાસેથી મળતી માહિતી અનુસાર સદર તાલીમમાં સુરત જિલ્લાની પરિવહન સુવિધા ધરાવતી શાળાઓનાં 58 આચાર્યો, 18 BRP, 80 જેટલાં ડ્રાઇવરો હાજર રહ્યાં હતાં જેમનાં માટે જિલ્લા કો-ઓર્ડિનેટર દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.