સુરતના ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં એક દુઃખદ ઘટના બની છે. ચાલતા જઈ રહેલા એક યુવકને અચાનક ચક્કર આવતા તે રોડ પર પટકાયો હતો, જેને કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું મોત નિપજ્યું હતું.
પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મૃતક યુવકની ઓળખ કાલિયા બચ્છનિધિ નાહક (ઉંમર 34) તરીકે થઈ છે. તેઓ હાલ કામરેજ તાલુકાના ડાયમંડ નગર ખાતે રહેતા હતા અને મૂળ ઓડિશા રાજ્યના ગંજામ જિલ્લાના વતની હતા. આ ઘટના ગત તા. 16 ઓક્ટોબર, 2025 ના રોજ રાત્રે આશરે ૯ વાગ્યાના અરસામાં સાયણ ગામ, રસુલાબાદ મસ્જિદ પાસે આવેલા રસુલાબાદમાં બની હતી.
કાલિયા નાહક ચાલતા જઈ રહ્યા હતા ત્યારે તેમને અચાનક ચક્કર આવ્યા અને તેઓ રોડ પર નીચે પટકાયા. આથી તેમને માથાના પાછળના ભાગે તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.