Gujarat

અરબી સમુદ્રમાં ઉદભવેલુ શક્તિ વાવાઝોડુ, દ્વારકા જિલ્લા તંત્ર એલર્ટ

અરબી સમુદ્રમાં શકિત વાવાઝોડુ ઉદભવ્યુ છે જેના પગલે દેવભૂમિ સહિત હાલારના દરીયાકાંઠા પણ એલર્ટ કરાયા છે.દરીયામાં આગળ વધતુ વાવાઝોડાના પગલે ગુજરાતના દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

વર્તમાન ચોમાસાની સીઝનનું ભારતીય ઉપમહાદ્વીપનું આ પ્રથમ વાવાઝોડું છે જે ભારતીય કિનારાઓથી દૂર જશે પરંતુ ગુજરાત-ઉત્તર મહારાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થતાં માચ્છીમારી તથા દરિયાઈ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ તંત્ર એલર્ટ મોડમાં છે.

છેલ્લા 06 કલાક દરમ્યાન 18 કિમી પ્રતિ કલાકની ઝડપે શકિત વાવાઝોડું પશ્ચિમ તરફ આગળ વધ્યુ છે. સવારે 8:30 કલાકે તે દ્વારકાથી આશરે 470 કિમી પશ્ચિમમા સ્થિર રહયુ હતુ. જેના લીધે પોરબંદર-ગીર સોમનાથ જિલ્લામાં તેનો કરન્ટ જોવા મળ્યો છે. આ સાથે દરિયાઈ વિસ્તારના જિલ્લાઓ સહિત ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહયુ છે.

હાલમાં વાવાઝોડાના કેન્દ્રમાં પવનની ગતિ 95 થી 105 કિમી પ્રતિ કલાકની છે જે વધીને 115 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી રહી છે.જે મહત્તમ તીવ્રતા આગામી 24 કલાક સુધી જળવાય તેવી સંભાવના છે. તા.04 થી 07 ઓકટોબર સુધી ગુજરાત તેમજ ઉત્તર મહારાષ્ટ્રના વિસ્તારોમાં પવનની ગતિ વધીને 45 થી 55 કિમી પ્રતિ કલાક અને મહત્તમ 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે.