Gujarat

દોઢ મહિનાની મેન્ટર વોચથી શાતિર આરોપી પકડાયો

રાજકોટ શહેરના કોઠારીયા રિંગ રોડ પર ધરમનગર સોસાયટીમાં ખોડીયાર ડાયમંડ નામના કારખાનામાં 10 એપ્રિલના રોજ રૂપિયા 60,83,650ની કિંમતના 11,655 જેટલા કાચા અને તૈયાર હીરાની ચોરી ગુનામાં દોઢ મહિનાની મહેનત બાદ ગુનાનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે.

પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ-અલગ મોડ્યુલ તેમજ પોલીસ વડાએ શરૂ કરેલ મેન્ટર પ્રોજેક્ટનો પણ ઉપયોગ કરી હીરા ચોરીના ગુનાને અંજામ આપતા આરોપીઓ ઉપર વોચ ગોઠવી હતી. બાદમાં રાજકોટમાં જ અગાઉ હીરા ચોરી સહિતના ગુનાને અંજામ આપનાર આરોપી અજય નાયકાની ધરપકડ કરી તમામ મુદામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ચોરાઉ હીરા કોઈ જગ્યાએ વેચવા જાય તો પોલીસ પાસે પકડાઈ જવાની બીકના કારણે થોડો સમય માટે અન્ય કારખાના પાસે ખાડો ખોદી અંદર હીરા છુપાવી દીધા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

રાજકોટ ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, ગત 10 એપ્રિલની રાત્રે વિપુલ ગોંડલીયાના કોઠારીયા રિંગ રોડ પર ધરમ નગર સોસાયટીમાં ખોડીયાર ડાયમંડ નામના કારખાનામાં ચોરી થતા તેઓએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 305(A), 331(4) સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

અજય નાયકા, આરોપી

જેમાં તેમને જણાવ્યું હતું કે, તેમના કારખાનાના પાછળના દરવાજાના તાળા તોડી કારખાનામાં પ્રવેશ કરી અજાણ્યા શખ્સો તિજોરીમાં રાખેલા રૂ.60.83 લાખના હીરા ચોરી કરી લઈ ગયા છે. આ ફરિયાદ બાદ પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ, ભક્તિનગર પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ ડીસીપી ઝોન 1 LCBની જુદી જુદી 10 જેટલી ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.