Gujarat

શીલજ કેનાલ રોડ, અસલાલી અને ચાંદખેડામાં કાર, ટ્રક, ટુવ્હીલરે અકસ્માતો કર્યા, 48 દિવસમાં 166 રોડ અકસ્માત, 40નાં મૃત્યુ

છેલ્લા 24 કલાક દરમિયાન શહેરમાં હિટ એન્ડ રનની 3 ઘટનામાં 4 લોકોનાં મોત થયાં છે જ્યારે 1 વ્યક્તિને ઈજા પહોંચી હતી. હિટ એન્ડ રનની આ ત્રણ ઘટનાઓ શીલજ કેનાલ રોડ, અસલાલી અને ચાંદખેડામાં બની હતી. જાન્યુઆરીથી આજ દિન સુધીના 48 દિવસમાં શહેરમાં 166 રોડ અકસ્માતમાં 40 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 82 લોકોને ગંભીર અને 52 લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ફેબ્રુઆરીના 17 દિવસમાં 40 અકસ્માત થયા છે જેમાં 12 વ્યક્તિઓ મૃત્યુ પામી હતી. 2024માં 1275 અકસ્માતમાં 360 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

ઘટના-1:શીલજમાં પૂરઝડપે આવેલી કારે બાઈકને ફંગોળ્યું, બેનાં મોત કલોલના વિશાલ ઠાકોર અને સંબંધી કાળાજી ઠાકોર બાઇક પર સાણંદના સાયલા ખાતે લગ્નપ્રસંગમાંથી પાછા આવી રહ્યા હતા. આ સમયે શીલજ કેનાલ રોડ પર પૂરઝડપે આવેલી એક કારે ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વિશાલ અને કાળાજી રોડ પર પટકાયા હતા. બંને આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સારવાર માટે બંનેને નજીકની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ડૉક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. બોપલ પોલીસ ટક્કર મારી ભાગી જનારા કારચાલકને શોધી રહી છે.

ઘટના-2: ટ્રકની ટક્કરથી ટુવ્હીલર પર જતા બે પિતરાઈ પટકાયા, એકનું મોત અસલાલી નજીક પૂરઝડપે આવેલી એક ટ્રકે ટુવ્હીલરને ટક્કર મારી હતી. ટુવ્હીલર પર જઈ રહેલા ભાવેશ સોલંકી અને ભરત સોલંકી નામના પિતરાઈ ભાઈઓ જમીન પર પટકાયા હતા. માથામાં ગંભીર ઈજા થવાને કારણે ભાવેશ સોલંકીનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે ભરત સોલંકી હોસ્પિટલમાં છે.

ઘટના-3: ચાલવા નીકળેલા વૃદ્ધને ટુવ્હીલરે પછાડ્યા, માથામાં ઈજાથી મૃત્યુ ચાંદખેડાના 80 વર્ષના વૃદ્ધ ત્રિભો‌વન ઘેલા રવિવારે સાંજે ચાલવા નીકળ્યા હતા. શ્લોક એવન્યુ નજીક ઓવરસ્પીડમાં આવેલા એક ટુવ્હીલરે તેમને ટક્કર મારી હતી. ટુવ્હીલરની ઝડપ એટલી હતી કે, વૃદ્ધ રસ્તા પર પછડાતાં માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત કર્યા પછી ટુવ્હીલર ચાલક ફરાર થઈ ગયો હતો. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અહેવાલ મુજબ ટુવ્હીલર ચાલક સગીર હોવાની શંકા છે. ઓળખ માટે પોલીસ સીસીટીવી ફેંદી રહી છે.