સુરત જિલ્લાના બારડોલી-કડોદ સ્ટેટ હાઈવે પર એક ડીઝલ કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. કાર નંબર GJ 05 JC 3198 ના ચાલક પરેશ માહ્યાવંશી અને તેમના મિત્ર મુસાફરી કરી રહ્યા હતા.
ચાલુ મુસાફરી દરમિયાન કારના બોનેટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ જોતાં જ બંને જણા તરત કારમાંથી બહાર નીકળી ગયા હતા. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખી કાર આગની લપેટમાં આવી ગઈ.

ઘટનાની જાણ થતાં બારડોલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમે આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જોકે કાર માલિકને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ઉનાળાની શરૂઆતથી વાહનોમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે, જે ચિંતાનો વિષય બની રહ્યો છે.

