Gujarat

એસિડ પીધેલી યુવતીને SSG હોસ્પિટલે આપ્યું નવજીવન

વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલે એસિડ પી લેનાર ૨૩ વર્ષીય યુવતીને નવજીવન બક્ષ્યું છે. આયુષ્માન ભારત યોજના હેઠળ ૮ કલાકની જટિલ સર્જરી દ્વારા યુવતીની અન્નનળીનું સફળ પ્રત્યારોપણ કરવામાં આવ્યું, જેના પરિણામે તે હવે મોં વાટે ખોરાક લઈ શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરામાં રહેતી સુમિત્રા (નામ બદલ્યું છે) નામની ૨૩ વર્ષીય યુવતીએ હતાશામાં એસિડ પી લીધું હતું. એસિડની તીવ્રતાને કારણે તેની અન્નનળી સંપૂર્ણપણે સંકોચાઈ ગઈ હતી અને જઠરને ગંભીર નુકસાન થયું હતું. શરૂઆતમાં પરિવારે ખાનગી હોસ્પિટલમાં આશરે ૩ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, પરંતુ કોઈ સુધારો ન થતાં યુવતીને પેટમાં નળી વાટે પ્રવાહી ખોરાક લેવાની ફરજ પડી હતી.

આખરે, પરિવારે મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી એસ.એસ.જી. હોસ્પિટલનો આશરો લીધો. અહીં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રંજન ઐયર અને સર્જરી વિભાગના વડા ડો. મુકેશ પંચોલીના માર્ગદર્શન હેઠળ ડો. સમીર કચેરીવાલા અને તેમની ટીમે આ પડકારજનક કેસ હાથમાં લીધો. તબીબોએ યુવતીની શારીરિક સારવારની સાથે તેનું માનસિક કાઉન્સેલિંગ પણ કર્યું.

તબીબોની ટીમે ૬ થી ૮ કલાક ચાલેલી અત્યંત જટિલ ‘ઓકોલોપ્લાસ્ટી’ સર્જરી કરી. આ સર્જરી દરમિયાન, પેટમાં રહેલા મોટા આંતરડાને છાતીના ભાગેથી ગળા સુધી લઈ જઈને મોં અને જઠર વચ્ચે એક નવો ‘બાયપાસ’ બનાવવામાં આવ્યો. આ સફળ સર્જરી બાદ સુમિત્રા હવે નળીના બદલે કુદરતી રીતે મોં વાટે ખોરાક લઈ શકે છે.