એસજી હાઇવે પર ગોતા બ્રિજ નજીક આવેલો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનો પ્લોટ ભાજપના જ કાર્યકર્તાએ સામાન્ય ભાડા પર મેળવીને ગેરકાયદેસર બાંધકામ કરી સ્ટોલ ભાડે આપી રહ્યાં હોવાનું સામે આવતાની સાથે જ ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
આજે બુધવારે (12/03/2025) સવારે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કોર્પોરેશનના પ્લોટમાં ભાજપના જ કાર્યકર્તા દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની એક ટીમ આજે બુધવારે સવારે એસજી હાઇવે પર ગોતા બ્રિજ પાસે આવેલા પ્લોટમાં ભાજપના કાર્યકર્તા દ્વારા જે બાંધકામ કરવામાં આવ્યું હતું તે બાંધકામને જેસીબી મશીન અને મજૂરોની મદદથી તોડવાની શરૂઆત કરી છે.

મોટી લોખંડની એંગલો જે ઊભી કરવામાં આવી હતી તેને કાઢી નાખવામાં આવી છે. જે નીચે બાંધકામ કરવામાં આવ્યું હતું તેને પણ તોડવામાં આવી રહ્યું છે.
કોર્પોરેશનની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા ઉલ્લેખનીય છે કે, અમદાવાદના એસજી હાઇવે પર ગોતા બ્રિજના છેડે મ્યુનિસિપલ કોર્પોરેશનનો TP 32 FP 66નો 24*1000 ચોરસ મીટરનો પ્લોટ આવેલો છે.
આ પ્લોટ દૈનિક રૂ.1,000ના ભાડા પર સ્ટેન્ડિંગ કમિટીમાંથી ઠરાવ કરીને ભાડે લેવામાં આવ્યો હતો. કરોડો રૂપિયાની કિંમતના પ્લોટને 11 મહિનાના ભાડા પર મેળવીને ત્યાં ગેરકાયદેસર રીતે લોખંડની એંગલો ઊભી કરી દેવામાં આવી હતી. વિશાળ પ્લોટની જગ્યામાં લોખંડની એંગલો અને નીચે ઇંટ અને સિમેન્ટથી બાંધકામ કરી સ્ટોલ ભાડે આપવા માટેની જાહેરાત કરવામાં આવતા કોર્પોરેશનની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા હતા.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને બંને ઠરાવો રદ કરવાની સૂચના આપી કોર્પોરેશનના પ્લોટના બે અલગ અલગ ઠરાવ કરવામાં આવ્યા હતા. જેમાં 5000 ચોરસ મીટરનો કેયુર ચાવડા અને 10,000 ચોરસ મીટરનો પ્લોટ અશોક મીઠાપરાના નામે ભાડે લેવામાં આવ્યો હતો.
સીઝનેબલ વેપાર ધંધો કરવાના નામે નેહરુનગર અને પાથરણાં માર્કેટ ઉભું કરવામાં આવી રહ્યું હોવાનું ધ્યાને આવતાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા બંને ઠરાવો રદ કરવાની સૂચના આપી દીધી હતી. એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા ગેરકાયદે બાંધકામ તોડવાની સૂચના પણ આપી દેવામાં આવી હતી. જેના પગલે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવી છે.