લખતરની વિરાસત સમો અંદાજિત 130 વર્ષથી વધુ વર્ષથી અડીખમ ઊભેલો કિલ્લો તંત્રની અને સરકારની ધ્યાન ન આપવાની નીતિને કારણે જાળવણીનાં અભાવે ધીમે ધીમે વિનાશ તરફ જઈ રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે.
તો ગઢની દીવાલમાંથી પથ્થર નીકળવા લાગ્યા હોય તેવું જોવા મળે છે. સરકાર દ્વારા પણ અગાઉ 100 વર્ષ કરતા જૂની ઈમારતોને હેરિટેજમાં સમાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે લખતરમાં અંદાજે 130 વર્ષથી ગામ ફરતે ગામની રક્ષા કરતો કિલ્લો અડીખમ ઉભેલો છે. પરંતુ હાલમાં હવે તે જાળવણીનાં અભાવે ધીમે ધીમે જર્જરિત થઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટર, અગાઉ સરકારની ટર્મનાં પંચાયત મંત્રી સહિતનાઓને આ કિલ્લાની જાળવણી અંગે રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં પરિણામ હાલની તારીખમાં પણ શૂન્ય છે. તંત્ર હોય કે પદાધિકારી તેઓ આ કિલ્લાની જાળવણી પ્રત્યે સતત ઉદાસીનતા દાખવી રહ્યા છે. તેના કારણે આ વિરાસત સમો કિલ્લો હવે ધીમે ધીમે વિનાશ તરફ જઈ રહ્યો છે.
નોંધનીય ગણાશે કે કરણી સેના દ્વારા પણ મહારેલી યોજી આ કિલ્લાની જાળવણી માટે આવેદનપત્ર આપવમાં આવ્યું હતું. તો લખતરનાં ઠાકોર સાહેબ દ્વારા પણ આ કિલ્લો સરકાર હસ્તગત કરી જાળવણી કરે તે માટે લખીને આપવામાં આવેલું છે.
પરંતુ તંત્ર ધ્યાન આપતું નથી. તેવામાં શહેરનાં કાદેસર તળાવની નજીક આવેલ કિલ્લાના કોઠામાંથી પથ્થર નીકળવા લાગ્યા હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે. ત્યારે આ કિલ્લાની જાળવણી થાય તેવી માગ ઊઠી રહી છે.

