Gujarat

જામનગર પોલીસનું કડક ચેકિંગ, 700 પોલીસકર્મીઓ તૈનાત

જામનગર જિલ્લામાં 31મી ડિસેમ્બરની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ કડક બંદોબસ્ત અને વિશેષ ચેકિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવશે.

બંદોબસ્તમાં પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની સહિત 4 DySP, 24 PI, 35 PSI, તેમજ પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાન, ગ્રામ્ય રક્ષક દળ અને ટ્રાફિક સ્ટાફ મળીને કુલ 700 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવશે.

દારૂબંધીની પ્રવૃત્તિઓને રોકવા માટે બોડી વોર્ન કેમેરા (206) અને બ્રેથ એનાલાઈઝર (52) નો ઉપયોગ કરવામાં આવશે. ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાશે અને નશો કરનારા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લામાં કુલ 8 આંતર-જિલ્લા ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે, જ્યાં વાહન ચેકિંગ સઘન બનાવાશે. પેટ્રોલિંગ માટે 30 ફોર-વ્હીલર, 27 જનરક્ષક બોલેરો અને 80 પોલીસ બાઈક સહિત કુલ 137 વાહનો તેમજ માઉન્ટેડ યુનિટ (ઘોડેસવાર) નો ઉપયોગ કરવામાં આવશે.