Gujarat

જોડિયા તાલુકાના બોડકા ગામની ત્રણ વર્ષની દીકરીનું હૃદયરોગની બીમારીનું સફળ ઓપરેશન

જોડિયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીઠળ હેઠળ આવતા બોડકા ગામમાં રહેતા ખેત મજુરી કરતા અરવિંદભાઈ સોલંકીના ઘરે દીકરી નેહાનો જન્મ થયો હતો. જન્મ સમયે બાળકીને કોઈ બીમારી જણાઈ ન હતી. બાદમાં બાળકીની તપાસ કરતા બીમારીની જાણ થઇ હતી.

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપૂર પ્રસાદ અને જોડિયાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. સંજય સોમૈયાના માર્ગદર્શન હેઠળ કામ કરતી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમના ડો. સેજલ કરકર, ડો. દેવજી નકુમ, એફ.એચ.ડબલ્યુ બંસી ડાંગર, બોડકાના એફ. એચ.ડબલ્યુ નીતાબેન પંડ્યા, આંગણવાડી કાર્યકર મધુબેન પરમાર દ્વારા તા. 12 માર્ચ 2025ના બાળકની ગૃહ મુલાકાત કરી પ્રાથમિક તપાસ કરતા બાળકને હૃદયની તકલીફ હોવાનું સામે આવતા સંદર્ભ કાર્ડ ભરી જી.જી. હોસ્પિટલમાં અને બાદમાં આગળની સારવાર માટે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં જવા માટે સમજાવામાં આવ્યા હતાં.

પરંતુ પરિવારને અમદાવાદ જવું ન હતું અને આયુષ્યમાન કાર્ડ અંતર્ગત રાજકોટ સ્ટર્લીંગ હોસ્પિટલમાં સારવાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીઠડના ઓપરેટર નરેન્દ્રસિંહ ઝાલાનો સંપર્ક કરી આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યું. ત્યાર બાદ રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલમાં આગળની સારવાર માટે ગયા અને બાળકની આરોગ્ય તપાસ તેમજ રીપોર્ટ કરી CHD-Congenital Heart Disease એટલે કે હૃદયમાં કાણું જણાયું.

રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલમાં ડોકટરની ટીમ દ્વારા તા. 19 મે 2025ના ઓપરેશન અને જરૂરી સારવાર કરી બાળકીને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી અને હાલ બાળકી એકદમ સ્વસ્થ જીવન જીવી રહી છે. આરોગ્ય તંત્ર દ્વારા દીકરા ની સમગ્ર સારવાર અને હૃદયના કાણાનું ઓપરેશન વિનામૂલ્ય કરવામાં આવી હતી.