શહેરમાં સંત કબીર રોડ પર રાજારામ સોસાયટીમાં રહેતા આધેડે પોતાના ઘેર ગળાફાંસો ખાઇ લેતા તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. બનાવને પગલે થોરાળા પોલીસે તપાસ કરતા અગાઉ હીરાનું કામ કરતા હોય મંદી આવ્યા બાદ છૂટક મજૂરીકામ કરતા તેમાં પણ કામ નહીં મળતા પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
રાજારામ સોસાયટીમાં રહેતા ભરતભાઇ રાઘવભાઇ ગોવાણી (ઉ.50) પોતાના ઘેર ઉપરના રૂમમાં છતના હૂકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવને પગલે તેને રૂમમાં બોલાવવા જતા પુત્રીએ પિતાને લટકતી હાલતમાં જોઇ દેકારો કરતા પરિવાર સહિતના લોકોએ તેને નીચે ઉતારી જાણ કરતા 108ની ટીમે પહોંચી તબીબે આધેડને મૃત જાહેર કર્યા હતા. જાણ થતા થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એચ.ટી. જીજાળા સહિતના સ્ટાફે મૃતદેહ પોસમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.
પોલીસની તપાસમાં મૃતક છ ભાઇમાં નાના હતા અને તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર હોવાનું અને હીરાની મજૂરીકામ કરતા હતા બાદમાં મંદી આવતા કારખાનામાં છૂટક મજૂરીકામ કરતા હોય તેમાં પણ કેટલાક સમયથી કામ મળતું ન હોય ગુમસૂમ રહેતા હોય. જેથી કામ નહીં મળતા આ પગલું ભરી લીધાનું પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
જન્મદિવસના બીજા દિવસે યુવતીનો ફાંસો ખાઇ આપઘાત
શહેરમાં રેલનગર પાસેના અવધ પાર્કમાં રહેતી કોલેજિયન યુવતીએ પોતાના ઘેર ગળાફાંસો ખાઇ લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. મૂળ યુપીના અને હાલ કેટલાક સમયથી રાજકોટ રહેતા પરિવારની પુત્રીનો શનિવારે જન્મદિવસ હતો અને રવિવારે સામાન્ય કામ બાબતે માતાએ ઠપકો આપતા આ પગલું ભરી લીધાનું પરિવારે જણાવ્યું હતું. રેલનગરમાં અવધ પાર્કમાં રહેતી સુહાની પવનકુમાર સહાનીએ પોતાના ઘેર પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.
બનાવને પગલે તેની માતા રૂમમાં બોલાવવા જતા પુત્રી લટકતી હોય દેકારો કરતા પરિવાર સહિતે યુવતીને ઉતારી બેભાન હાલતમાં સિવિલમાં ખસેડાઇ હતી જેનું સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું. બનાવની જાણ થતા પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ જાડેજા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક યુવતી એમ.કોમ.નો અભ્યાસ કરતી હતી અને શનિવારે તેનો જન્મદિવસ હતો. રવિવારે ઘેર હતી ત્યારે સામાન્ય કામ બાબતે માતાએ ઠપકો આપતા આ પગલું ભરી લીધાનું પરિવારે જણાવતા પોલીસે કાર્યવાહી કરી છે.

