સુરત ગ્રામ્ય LCBએ ગેરકાયદેસર દારૂની હેરાફેરી પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસે અમદાવાદથી સુરત તરફ આવી રહેલી એક ટાટા હેરિયર ગાડીમાંથી ₹4.64 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં દારૂ, ગાડી અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹19.75 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
LCB ઇન્સ્પેક્ટર આર.બી. ભટોળના માર્ગદર્શન હેઠળ PSI એચ.સી. મસાણી અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, સફેદ રંગની ટાટા હેરિયર ગાડી (નંબર GJ-06-PE-7773) માં દારૂ છુપાવીને અંકલેશ્વર-કામરેજ થઈ સુરત શહેર તરફ લઈ જવામાં આવી રહ્યો હતો.
આ માહિતીના આધારે પોલીસે ચોર્યાસી ટોલનાકા પાસે નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન શંકાસ્પદ ગાડી આવતા તેને અટકાવવામાં આવી હતી. પોલીસે ગાડીની તલાશી લેતા, તેમાં બનાવેલા ખાસ ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 531 બોટલો મળી આવી હતી.
પોલીસે ₹4,64,460 ની કિંમતનો દારૂ, ₹15,00,000 ની ટાટા હેરિયર ગાડી, ₹10,000 ના બે મોબાઈલ ફોન અને ₹800 રોકડા સહિત કુલ ₹19,75,260 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે સ્થળ પરથી બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ડ્રાઈવર અનુપસિંહ રાજપુત અને ક્લીનર મહેન્દ્રકુમાર મેવાડા નો સમાવેશ થાય છે.

