Gujarat

સુરતના સાંસદે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવજીને મળીને પ્રયાગરાજ માટે સ્પેશિયલ એક ટ્રેન સુરતથી ઉપાડવા રજૂઆત કરી

સુરત જેવા ઔદ્યોગિક શહેરને કનેક્ટિવિટીનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી નડતરરૂપ રહ્યો છે. સુરતમાં દેશના લગભગ તમામ રાજ્યના લોકો લાખોની સંખ્યામાં રોજગારી માટે આવ્યા છે અને વસવાટ કરી રહ્યા છે ત્યારે પોતાના માત્ર વતન જવાથી લઈને ધાર્મિક યાત્રા સુધીના અનેક પ્રશ્નો લોકો સમક્ષ આવે છે.

દિવાળી વેકેશન દરમિયાન કે છઠ પૂજા જેવા સમયે સુરત સ્ટેશનની જે સ્થિતિ થતી હોય છે, તેનાથી સૌ કોઈ વાકેફ છે. આજે કેટલાક મહત્વના મુદ્દાને લઈને સાંસદ મુકેશ દલાલે કેન્દ્રીય રેલવે મંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.

પ્રયાગરાજ માટે સ્પેશિયલ એક ટ્રેન સુરતથી ઉપાડવા માટે રજૂઆત સુરત અને દક્ષિણ ગુજરાતથી રોજના હજારો શ્રદ્ધાળુઓ 144 વર્ષ પછી આવેલ પ્રયાગરાજ મહાકુંભમાં ત્રિવેણી સંગમના સ્નાનનો લાભ લેવા જાય છે.

ભારે ઘસારાને કારણે હાલ પ્રયાગરાજ જવા માટે જે કોઈપણ સુવિધાઓ છે તે અપૂર્તિ પડી રહી છે. જેને કારણે હજારો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ જઈ શકતા નથી. જો સુરતથી પ્રયાગરાજની એક ટ્રેન શરૂ કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના એક કરોડથી વધુ લોકોને તેનો લાભ મળી શકે તેમ છે.