સુરતમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. એક એન.આર.આઈ. વૃદ્ધ બિઝનેસમેનને ડિજિટલ અરેસ્ટ કરી 64 લાખ રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવી છે. CBI ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી મની લોન્ડરિંગ અને ફ્રોડ કેસમાં તમે નાણાકીય વ્યવહારો કર્યા હોવાની વાતોમાં લઇ વૃદ્ધ બિઝનેસમેન પાસેથી અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં 64 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.
આ અંગે વૃદ્ધે સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વૃદ્ધને 18 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. રોજ દરેક કલાકે અપડેટ અને બે વાર વીડિયો કોલ કરીને મીટીંગ કરતા હતા. આરોપીઓએ મુંબઈ પોલીસ, સીબીઆઇ, આરબીઆઈ સહિતના બોગસ લેટર મોકલીને વૃદ્ધને ડરાવી રૂપિયા પડાવ્યા હતા.
સીમકાર્ડ ખરીદાયું ત્યારે હું અમેરિકામાં હતો આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના પાલ વિસ્તારમાં રહેતા 65 વર્ષીય એન આર આઈ બિઝનેસમેને સાયબર ક્રાઇમ સેલમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે, તારીખ 4-12-2024ના રોજ તેમના વ્હોટ્સએપ નંબર પર એક ફોન આવ્યો હતો, જે ફોન મેં રિસીવ કરતા સામેથી કહ્યું- હું ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયામાંથી બોલું છું
. તમારા આધારકાર્ડ પર તારીખ 10-11-2024ના રોજ એક સીમ કાર્ડ એક્ટિવ થયું છે અને આ સીમકાર્ડની ખરીદી મુંબઈથી કરવામાં આવી છે અને બાદમાં મને સીમકાર્ડનો મોબાઇલ નંબર કીધો હતો. આ સીમકાર્ડ પરથી થયેલા ફોન કોલ પરથી મુંબઈના અંધેરી વેસ્ટ પોલીસ મથકમાં એક FIR દાખલ થઈ છે, જેથી બિઝનેસમેને જણાવ્યું કે આ મોબાઈલ નંબર મારો નથી અને મેં આવું કોઈ પણ સીમકાર્ડ ખરીદ્યું નથી.
મેં તેમને જણાવ્યું હતું કે, હું તારીખ 29-10-2024થી 03-12-2024 દરમિયાન અમેરિકા ગયો હતો અને આ સીમકાર્ડ 10-11-2024ના રોજ ખરીદી કરવામાં આવ્યું છે, તમારી આ વાત પાયાવિહોણી છે.

