રાજ્ય સરકારે છેલ્લા ઘણા સમયથી ભુ માફિયા નામનું દુષણ ડામી દેવા કરેલા આદેશ અનુસાર અનેક તાલુકા વિકાસ અધિકારી એક્શન મોડમાં આવ્યા હોઈ ત્યારે જેતપુરના પેઢલા ગામે પણ ગૌચરની જમીન પર કરેલા દબાણની અરજીના અનુંસંધાને તપાસ હાથ ધરવામાં આવી છે. જયારે ગ્રામ સભા યોજાય ત્યારે તેમાં તેનો ઠરાવ પાસ કરી કાયદેસર માપણી કર્યા બાદ દબાવેલ ગૌચરની જમીન ખુલ્લી કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મળતી વિગત મુજબ જેતપુરના પેઢલા ગામે ગણેશ દેવરાજ ખૂંટએ ગૌચરની જમીન પર કરેલા દબાણ અંગે થોડા દિવસ પહેલા તાલુકા વિકાસ અધિકારીને અરજી કરવામાં આવી હતી જે અરજીને ધ્યાને લઈ તંત્ર તત્કાલ એક્શન મોડમાં આવ્યું હતું અને પેઢલાના તલાટી મંત્રીને લેખિતમાં પત્ર મોકલી ગૌચર વાળી જગ્યાની ખરાઈ કરી ટીડીઓનો આદેશ થાય ત્યારે જાહેર ગ્રામ સભા યોજી તેમાં ઠરાવ પાસ કરાવી તત્કાલ ગૌચર પર કરેલી પેશકદમી દૂર કરવા આદેશ કરવામાં આવેલ છે.
ત્યાર બાદ સર્વેયર દ્વારા સમગ્ર ગામના ગૌચરની માપણી કરી તમામ માહિતી ઉપરી અધિકારી સુધી મોકલવામાં આવશે.સમગ્ર કાર્યવાહી બાદ ગણેશ દેવરાજ ખૂંટ કસૂરવાર ઠરે તો કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.