જામનગરના કડિયાવાડ વિસ્તારમાં શ્રી રાંદલ અંબિકા કુમારિકા ગરબી મંડળની અનોખી પરંપરા આકર્ષણનું કેન્દ્ર બની છે. આ મંડળમાં છેલ્લા 50 વર્ષથી યુવાનો સળગતા અંગારા વચ્ચે ખુલ્લા પગે રાસ રમે છે. મંડળના 20 યુવાનો સળગતી મશાલ સાથે રાસ રમે છે. તેઓ મશાલમાંથી અંગારા પટાંગણમાં વિખેરી સ્વસ્તિકનો આકાર બનાવે છે. આ સાથે બાળાઓ માથા પર સળગતી ઈંઢોળી સાથે રાસ રમે છે.
ચોથા નોરતે રજૂ થયેલા સળગતા સાથિયાના રાસ દરમિયાન પંડાલની તમામ લાઈટો બંધ કરવામાં આવી હતી. આથી સળગતો સ્વસ્તિક વધુ દીપ્તિમાન બન્યો હતો.
ખેલૈયાઓના હેરતભર્યા પ્રયોગોએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા જામનગરના અંગારા રાસ અને ઈંઢોણી રાસ વિશ્વવિખ્યાત છે. આ અનોખા રાસ નિહાળવા દેશ-વિદેશથી હજારો લોકો આવે છે. શ્રી રાંદલ અંબિકા ગરબી મંડળ પ્રાચીન મૂલ્યો અને ધાર્મિક પરંપરાઓને જાળવી રાખવામાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે.

