ખંભાળિયામાં એક મહત્વપૂર્ણ ચેક રિટર્ન કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. એ.ટી. ચાવડા એન્ડ કંપનીના પ્રોપરાઈટર અશોક તેજશીભાઈ ચાવડા સામે કોર્ટે બે વર્ષની કેદની સજા ફટકારી છે.
કેસની વિગતો મુજબ, ફરિયાદી કમલેશભાઈ પાલાભાઈ વિંઝુડાને આરોપી પાસેથી કુલ રૂપિયા 15,82,000ની રકમ લેવાની હતી. આરોપીએ આ રકમ ન ચૂકવતા ખંભાળિયાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
કોર્ટે ફરિયાદી પક્ષના પુરાવા અને વકીલોની દલીલો ધ્યાને લીધા બાદ આરોપીને દોષિત ઠેરવ્યો છે. કોર્ટે આરોપીને રૂપિયા 15.82 લાખનું વળતર અને રૂપિયા 1,52,800 ખર્ચ પેટે એક માસની અંદર ફરિયાદીને ચૂકવવા આદેશ કર્યો છે.
આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ જે.એમ. સાગઠીયા, વાય.એમ. આરબાણી, એમ.બી. ચાવડા સાથે ફરહાન બ્લોગ, આફીદી સુમરા અને હરદેવસિંહ જાડેજાએ રજૂઆત કરી હતી.

મજૂર મોકલવાના બહાને ખેડૂતો પાસેથી પૈસા પડાવનાર દાહોદનો ઠગ ઝડપાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાયબર ક્રાઈમ પોલીસે મજૂર મોકલવાના બહાને ઠગાઈ કરનાર આરોપીની ધરપકડ કરી છે. કલ્યાણપુર તાલુકાના સણોસરી વિસ્તારના એક ખેડૂત પાસેથી રૂપિયા 26,870 પડાવનાર આરોપીની દાહોદથી અટકાયત કરવામાં આવી છે.
સાયબર ક્રાઈમ વિભાગના પી.આઈ. વી.કે. કોઠીયાની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે દાહોદના લીમખેડા વિસ્તારમાંથી આરોપીને પકડ્યો છે.
આરોપી પુષ્પેન્દ્રકુમાર પ્રકાશભાઈ પટેલ (ઉ.વ.27) પંચમહાલ જિલ્લાના ચાંદપુર વિસ્તારનો રહેવાસી છે. તે વણાટકામનો વ્યવસાય કરે છે. આઠ ધોરણ સુધી ભણેલા આરોપીએ છેલ્લા એક વર્ષથી અનેક ખેડૂતો અને કોન્ટ્રાક્ટરોને શિકાર બનાવ્યા છે.
તે મજૂર અને બસ કંડક્ટરની ખોટી ઓળખ આપીને લોકોને છેતરતો હતો. મજૂરોની બસ ટિકિટ અને જમવાના ખર્ચના નામે પૈસા પડાવતો હતો. પોલીસે આરોપી પાસેથી નવ એટીએમ કાર્ડ, બે સિમકાર્ડ અને એક મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.

