સુરત શહેરમાં માદક પદાર્થોના વેચાણ અને સપ્લાય પર અંકુશ મેળવવા માટે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. જેના ભાગરૂપે સચીન પોલીસે વધુ એક પેડલરને NDPS કાયદા હેઠળ ઝડપી પાડી, ડ્રગ્સના છૂટક વેચાણ પર તવાઈ બોલાવી છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને, એક ઇસમને 88 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો છે, જેની બજાર કિંમત આશરે રૂ. 4,400 જેટલી આંકવામાં આવી છે.
બાતમીના આધારે સચીન પોલીસે જૂના સ્લમ બોર્ડ વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. ચોક્કસ હકીકત મળતા, પોલીસની ટીમે સચીન જુના સ્લમ બોર્ડ ખાતે આવેલ મેલડી માતાના મંદિર પાસે ફુટપાથ ઉપર જાહેરમાં છૂટક ગાંજાનું વેચાણ કરી રહેલા આરોપીને રંગેહાથ પકડી પાડ્યો હતો.
વિજય અશોકભાઇ બૈસાની (ઉં.વ. 35) નામના આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાનો વતની છે અને હાલમાં પારડી, સચીન વિસ્તારમાં રહે છે. પોલીસે તેની પાસેથી કુલ 88 ગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી વિજય બૈસાનીએ કબૂલ્યું હતું કે તે આ ગાંજાનો જથ્થો આશિષ કાલીચરણ નામના ઇસમ પાસેથી લાવતો હતો અને છૂટક વેચાણ કરતો હતો. સચીન પોલીસે હવે આશિષ કાલીચરણને ઝડપી પાડવા અને આ ડ્રગ્સ સપ્લાય ચેઈનના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

