Gujarat

આધુનિક રાસ-ગરબા વચ્ચે પ્રાચીન પરંપરા જીવંત

ગોંડલ શહેરના ભોજરાજપરા વિસ્તારમાં આવેલું શ્રી નવા પ્લોટ ગરબી મંડળ છેલ્લા 60 વર્ષથી પ્રાચીન ગરબીની પરંપરાને જીવંત રાખી રહ્યું છે. આધુનિક રાસ-ગરબાના વધતા ચલણ વચ્ચે પણ આ મંડળ પોતાનો પૌરાણિક સાંસ્કૃતિક વારસો જાળવી રાખવામાં સફળ રહ્યું છે.

આ ગરબીની શરૂઆત વર્ષ 1972માં ભોજરાજપરા-28 સ્થિત દરિયાલાલ રામજી મંદિર ખાતે બાબુદાસ માંનદાસ ગોંડલીયા દ્વારા કરવામાં આવી હતી. તેમના અવસાન બાદ, શ્રી નવા પ્લોટ ગરબી મંડળના કાર્યકર્તાઓએ આ ધાર્મિક વારસાને આગળ ધપાવવાની જવાબદારી સંભાળી છે.

આ ગરબી મંડળની સંચાલન પદ્ધતિ તેની વિશેષતા છે. અહીં કોઈ પ્રમુખ કે ઉપ-પ્રમુખ જેવા હોદ્દા નથી. આશરે 30 જેટલા સ્વયંસેવકોની ટીમ એકજૂટ થઈને સમગ્ર આયોજન સંભાળે છે.

મંડળનો નિઃસ્વાર્થ સેવાભાવ પણ પ્રેરણાદાયી છે. રાસ-ગરબા કે નાટકો દરમિયાન મળતી ભેટ-સોગાદો અને નવરાત્રિ દરમિયાન એકત્રિત થતો ફાળો સંપૂર્ણપણે ગરબીમાં ભાગ લેતી બાળાઓને લ્હાણી સ્વરૂપે આપી દેવામાં આવે છે.