Gujarat

વેપારીના સસરા અને પરિવારે બોગસ સાટાખત ઉભો કરી વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધાનો આક્ષેપ

સુરતના રિંગ રોડ પર ટેક્સટાઈલનો વેપાર કરતા વેસુના એક વેપારી સાથે જમીનના સોદાના બહાને 90 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વેપારીના સસરા લોકનાથ ગંભીર સહિત તેમના પરિવારે આ છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે. આ અંગે વેપારી ગૌરવકુમાર મદનલાલ જુનેજાએ ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વેસુના યુનિકોન પ્લાઝામાં રહેતા અને રિંગ રોડ પર અશોકા ટાવરમાં “રીંકેશ સારીઝ” ના નામથી કાપડનો વેપાર કરતા 46 વર્ષીય ગૌરવકુમાર મદનલાલ જુનેજાએ તેમના સસરા લોકનાથ લુરીડારામ ગંભીર, સાસુ મોનરમારાણી ઉર્ફે મનોરમાબેન લોકનાથ ગંભીર અને સાળા હાર્દિક લોકનાથ ગંભીર (રહે, ગંભીર ફાર્મ હાઉસ, વેલેન્ટાઈન સિનેમા પાસે, પીપલોદ) સામે ફરિયાદ નોંધાવી છે.

ગૌરવકુમાર જુનેજાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના બંને પરિવારો વચ્ચે 1998થી પારિવારિક સંબંધો છે. 1999માં અલથાણ-વેસુ વિસ્તારમાં આવેલી અલગ-અલગ જમીનો ભાગીદારીમાં ખરીદી હતી અને તેના દસ્તાવેજો ગૌરવકુમાર અને ગંભીર પરિવારની “શિવશક્તિ ડેવલોપર્સ” નામે કરાવ્યા હતા.

આ દરમિયાન, ભરથાણા-વેસુ સર્વે નંબર 116-બી, ટી.પી. સ્કીમ નંબર 65, ફાયનલ પ્લોટ નંબર 9 વાળી જમીનમાં ગૌરવકુમારે 90 લાખ આપ્યા હતા. આ પૈસા તેમણે તેમના સસરા લોકનાથ ગંભીર અને સાસુ મનોરમારાણી ઉર્ફે મનોરમાબેનને ચેક દ્વારા આપ્યા હતા, જ્યારે બાકીની રકમ રોકડમાં આપી હતી, જેની સાથે તેઓએ ડાયરી લખી આપી હતી.