પશ્ચિમ અમદાવાદમાં રહેતા નિવૃત્ત મહિલા પ્રોફેસર અને પતિને 83 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખીને રૂ.11.42 કરોડ પડાવી લેનાર વધુ એક આરોપી પકડાયો છે. જેમાં વૃદ્ધ દંપતીને ટ્રાઈ, સીબીઆઈ, આરબીઆઈ, ફેમા, સેબી અને રોના અધિકારી તરીકે ઓળખાણ આપી મની લોન્ડરિંગ, હવાલા અને આતંકવાદી પ્રવૃત્તિના કેસો થયા હોવાનું કહીને ડરાવી રાખ્યા હતા.
અગાઉ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે હાલમાં પકડાયેલા આરોપીએ પૈસા જુદા જુદા વોલેટમાં ટ્રાન્સફર કરીને વિદેશ મોકલ્યા હતા. વૃદ્ધ દંપતીને 83 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખીને એફડી, પીપીએફમાંથી પૈસા ટ્રાન્સફર કરાવીને રૂ.11.42 કરોડ પડાવી લેવાની ઘટનામાં સાઈબર સેન્ટર ઓફ એકિસન્સે અગાઉ 3 આરોપીની ધરપકડ કરી હતી. જેમાં કશ્યપ બોલાણી, દિનેશ લીંબાચીયા અને ધવલ મેવાડાનો સમાવેશ થાય છે.
આરોપીઓએ વિશ્વા ગ્લોબલ ચેરિટેબલ ટ્રસ્ટના નામે બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું. જેમાં ડિજિટલ અરેસ્ટના પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જ્યારે આ પૈસા હવાલા- આંગડિયા અને જુદા જુદા વોલેટ મારફતે દુબઈ – મ્યાનમાર અને કમ્બોડિયા મોકલવામાં આવ્યા હતા. આ પૈસા ટ્રાન્સફર કરનાર અશોકકુમાર સાંખલાની પોલીસે ધરપકડ કરી હતી.
ગ્લોબલ ચેરિટેબલ ટ્રસ્ટના બેંક એકાઉન્ટ સામે દેશભરમાં 11 ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં છેતરપિંડીની રકમ રૂ.18.55 કરોડ હતી. તે પૈસામાંથી રૂ.3.15 કરોડ અશોકકુમારે તેના માણસ જોડે મુંબઈ મોકલાવ્યા હતા અને ત્યાંથી બેંકમાં જમા કરાવ્યા હતા.

