Gujarat

ચાલુ ગાડીએ રેતી ઠાલવતાં બોર્ડ તૂટ્યું, વીજ તાર તૂટ્યા, ચાલક ફરાર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઈવે પર એક ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. એક ડમ્પર ચાલકે ચાલુ વાહને હાઈવે પર રેતી ઠાલવવાનું શરૂ કરી દીધું હતું.

ડમ્પર ઊંચું થતાં રોડની સાઈડમાં લગાવેલું બોર્ડ ધરાશાયી થયું હતું. આ બોર્ડ પાછળ આવતી કાર પર પડ્યું હતું. કારમાં બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો હતો.

ત્યારબાદ ડમ્પર ચાલક વાહન લઈને નજીકની હોટલના ગ્રાઉન્ડમાં ગયો હતો. અહીં ઊંચા ડમ્પરના કારણે ચાલુ વીજ તાર તૂટી પડ્યા હતા. જો નીચે કોઈ વ્યક્તિ કે વાહન હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત.

PGVCLના અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વીજપુરવઠો બંધ કર્યો હતો. ડમ્પર ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

સ્થાનિક લોકોના મતે, ખનિજ ચોરીના કેસમાં અધિકારીઓથી બચવા માટે ચાલકે આ પગલું ભર્યું હોઈ શકે છે. રોયલ્ટી અને ઓવરલોડિંગના કારણે ડમ્પર જપ્ત થાય તે પહેલાં ચાલકે રેતી ઠાલવી દીધી હોવાની શક્યતા છે.