મહેસાણા શહેરમાં રખડતાં કૂતરાં દ્વારા બાળકો અને ટુ વ્હીલર ચાલકોને બચકાં ભરવાના કિસ્સા વધતાં, આ સમસ્યાના નિવારણ માટે મહાનગરપાલિકા દ્વારા એકાદ અઠવાડિયામાં એજન્સી રાહે કૂતરાં પકડવાની કામગીરી શરૂ કરાશે.
જેમાં રખડતાં કૂતરાંને પકડી ઓપરેશન સેન્ટર લઇ જવાશે અને ત્યાં ખસીકરણ અને હડકવા વિરોધી રસી સાથે જરૂરી સારવાર આપી જે-તે વિસ્તારમાં સાત દિવસે છોડી મૂકવામાં આવશે.
ડેપ્યુટી મ્યુ. કમિશ્નર એ.બી. મંડોરીના જણાવ્યા અનુસાર, મહેસાણાના હેડુવા હનુમંત રોડ પરની એક ખાનગી બંધ ફેક્ટરીની જગ્યા ભાડેથી રાખીને ઓપરેશન સેન્ટર બનાવવામાં આવશે.
જ્યાં ઓપરેશન થિયેટર અને વેટરનરી ડોક્ટરની ટીમ રહેશે. અહીં કૂતરાંને પાંજરામાં પકડી લાવી, એક દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખી, મેડિકલ હેલ્થ તપાસી, ખસીકરણ અને હડકવા વિરોધી રસી આપવામાં આવશે.
સારવાર પછી સાત દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખીને જે-તે વિસ્તારમાં છોડી મુકાશે. આ કામગીરી માટે ભૂતપૂર્વ સૈનિક વેલ્ફેર સંસ્થાને ટેન્ડરથી મંજૂરી અપાઈ છે. જે કૂતરાં દીઠ રૂ.1630 ચાર્જ લેશે. એજન્સીનો લક્ષ્યાંક છ થી આઠ મહિનામાં શહેરનાં રખડતાં કૂતરાંઓને ખસીકરણ હેઠળ આવરી લેવાનો છે. હાલ 150 પાંજરા બનાવવાનું કામ ચાલુ છે અને સૂચિત જગ્યાનું ભાડું અંદાજે રૂ. દોઢ લાખ પ્રતિ માસ નક્કી કરાઈ રહ્યું છે.

